જુનાગઢમાં હેલ્થપ્લસ હોસ્પિટલના ત્રણ સંચાલકોની ધરપકડ : બેદરકારીથી બે મહિલાઓના મોત, ચાર મહિલાઓ કિડની ફેલ્યરનો ભોગ.

હેલ્થપ્લસ હોસ્પિટલ, જુનાગઢ ખાતે ગર્ભવતી મહિલાઓના સીજેરિયન ઓપરેશન અને સારવાર દરમ્યાન યોગ્ય મેડિકલ પ્રોટોકોલનું પાલન ન થવા તથા ગંભીર બેદરકારી દાખવવાના કારણે બે મહિલાઓના મોત થયા છે, જ્યારે ચાર મહિલાઓ કિડની ફેલ્યર જેવી ગંભીર પરિસ્થિતિમાં પહોંચી છે.

આ મામલે જુનાગઢ બી.ડિવીઝન પોલીસે ત્રણ સંચાલકોને પકડી પાડ્યા છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફરીયાદી આકાશભાઇ મિયાત્રા તથા અન્ય પતિઓએ આરોપ મૂક્યો કે તેમની પત્નીઓને ડિલિવરી દરમિયાન બેદરકારીપૂર્વક સારવાર આપવામાં આવી હતી. જેમાંથી હિરલબેન આકાશભાઇ મિયાત્રા અને હર્ષીતાબેન ભરતભાઇ બાલસનું મૃત્યુ થયું, જ્યારે તૃપ્તીબેન અલ્પેશભાઇ કાચા, સુમૈયાબેન જહીદભાઇ કચરા, મોનીકાબેન નરેન્દ્રભાઇ વાણીયા અને હસીનાબેન ઇબ્રાહીમભાઇ લાખાને ચેપ લાગતાં કિડની ફેલ્યર થયું હતું.

ગુનાની ગંભીરતા સમજતા જુનાગઢ બી.ડિવીઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલ દ્વારા IPC કલમ 304, 308 અને 114 હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલા સંચાલકો:

  1. સલીમભાઇ મુસાભાઇ બારેજીયા (63 વર્ષ) – નિવૃત્ત, અજંટા સિનેમા પાસે, જુનાગઢ

  2. જુનેદભાઇ જકરીયાભાઇ પલ્લા (49 વર્ષ) – અજંટા રેસીડન્સી, જુનાગઢ

  3. સોહીલભાઇ હબીબભાઇ સમા (26 વર્ષ) – સરદારબાગ, જુનાગઢ

પોલીસે જણાવ્યા મુજબ, જવાબદાર સંચાલકોની બેદરકારીને કારણે અનેક કુટુંબો પર દુઃખનો પહાડ તૂટ્યો છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ