જુનાગઢના મુખ્ય રસ્તે જાહેરમાં વરલી મટકા રમતો ઇસમ પકડાયો, ₹10,210 મુદ્દામાલ સાથે A-ડિવિઝન પોલીસની કાર્યવાહી.

જુનાગઢ શહેરના મધ્યભાગે આવેલ એમ.જી. રોડ ખાતે આવેલા ડબ્બા ગલીના નાકે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઇસમ ઝડપાઈ ગયો છે. શહેરના મુખ્ય માર્ગ પર લોકોને જોખમમાં મૂકી ચાલી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે “એ” ડિવિઝન પોલીસે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરતા કુલ ₹10,210 રોકડ રકમ સાથે જુગારની ચીટીઓ અને બોલપેનનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ રેન્જના અધિક ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ, નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા તથા પો.ઇન્સ. આર.કે. પરમારના માર્ગદર્શન હેઠળ, A ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળતા તેઓએ સ્થળ પર દરોડો પાડી કમલેશ માણેકલાલ મહેતા (ઉ.વ. 62), રહે. તળાવ દરવાજા, પાયલ એપાર્ટમેન્ટમાંથી આ આરોપીને પકડી પાડ્યો હતો.

આ આરોપી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી હાર-જીતનો જુગાર રમાડતો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ ₹10,210 ઉપરાંત બે જુગારની ચીટીઓ અને બોલપેન કબ્જે કરી જુગાર ધારા 12(અ) હેઠળ ગુનો નોંધાવ્યો છે.

આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. આર.કે. પરમાર, એએસઆઇ પંકજ સાગઠીયા, પો.હેડકોં. તેજલબેન સિંધવ, પો.કોં. કલ્પેશ ચાવડા, જીગ્નેશ શુકલ, જયેશ કરમટા, અજયસિંહ ચુડાસમા, નીતીન હીરાણી, વિક્રમ છેલાણા, નરેન્દ્ર બાલસ અને જુવાન લાખણોત્રાની મહત્ત્વની ભૂમિકા રહી છે.

પોલીસ દ્વારા જાહેરમાં આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ