જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના જુના કોટડા ગામે, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી અને આગાખાન સંસ્થા ગડુના સંયુક્ત ઉપક્રમે “બાલિકા પંચાયત સાથે સંવાદ” શીર્ષક હેઠળ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ – યુવતીઓ અને ગામના નવા ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓને એક મંચ પર લાવી, પરસ્પર સંવાદ સાધીને ગામના મૂળભૂત પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવો રહ્યો. કાર્યક્રમમાં DHEW (District Hub for Empowerment of Women), OSC (One Stop Centre) ટીમની ઉપસ્થિતિ રહી હતી, જેમણે કાર્યક્રમના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા મહિલા સરપંચ, ઉપસરપંચ અને અન્ય મહિલા સભ્યો ઉપરાંત બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા સભ્યો અને તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે બાલિકા પંચાયતની યુવતીઓએ ખુલ્લેઆમ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમા મુખ્યત્વે ગામમાં રસ્તા અને લાઇટની સમસ્યા, બાળ શિક્ષણમાં આવતી અડચણો જેવી સામાજિક અને ઢાંખાકીય બાબતોને આગળ ધપાવવામાં આવી હતી.
નવા મહિલા સરપંચ અને સભ્યોએ બાલિકાઓના પ્રશ્નો ખુબ ગંભીરતાથી સાંભળી, ભવિષ્યમાં આ મુદ્દાઓને ટાંકીને યોગ્ય સમાધાન માટે પ્રયાસો કરવાની ખાતરી આપી. bલિકાઓએ પણ વિકાસ કાર્યમાં પોતાની ભુમિકા નિભાવવાની અને ગામ માટે જવાબદારી વહન કરવાની ભાવના વ્યક્ત કરી.
આ પ્રકારના સંવાદી કાર્યક્રમો યુવતીઓને આત્મવિશ્વાસ આપવાથી લઇને સ્થાનિક શાસનમાં તેમની બાહેધરી વધારવાનું ઉત્તમ સાધન બની રહ્યા છે. ‘બાલિકા પંચાયત’ જેવી પહેલ દ્વારા સમાજમાં મહિલા સશક્તિકરણ અને યુવતીઓના પ્રતિનિધિત્વને દૃઢ બનાવવાની દિશામાં આ ઉપક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ