જુનાગઢ જિલ્લામાં માંગરોળ ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા..

જૂનાગઢ

ગુજરાતમાં આજ તા.૨૬ જૂનથી ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2003માં શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ આજે શાળાઓમાં આધુનિક શિક્ષણ વ્યવસ્થાઓ સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વટવૃક્ષ બન્યો છે.

માંગરોળ ખાતે શાળામાં ભૂલકાઓને પ્રવેશ અપાવતા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ મય શિક્ષણ પરંપરા આ ગવી ઓળખ ધરાવે છે. જે રીતે યોગ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્વીકૃત થયો તે રીતે ભારતની સંસ્કૃતિમય શિક્ષણ પરંપરા વૈશ્વિક બને તે માટે જન ભાગીદારી સાથે સાર્થક પ્રયાસો કરીએ તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શિક્ષણ એ માત્ર રોજગારીનું સાધન નહીં પરંતુ આદર્શ નાગરિકનું ઘડતર અને રાષ્ટ્રની ઉન્નતિ અને પ્રગતિ માં વાહક બને તે માટે સરકારના પ્રયાસો છે તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી એ વધુમાં કહ્યું કે કોઇ પણ બાળક પ્રવેશથી વંચિત ન રહે તે જવાબદારી આપણા સૌની છે. ભારત એ ઋષિમુનિઓનો દેશ છે, આપના દેશમાં દરિયાને દેવ અને નદીને માતા માનવામાં આવે છે, એ સંસ્કૃતિ બાળકોને શીખવાડવામાં આવે તેમજ નવી શિક્ષણ નીતિ મુજબ ધો. ૬ માં શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી બાળકમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનો વિકાસ થાય. તેમજ આપણે સૌ જ્ઞાતિવાદ, જાતિવાદથી પર રહી રાષ્ટ્રવાદની ભાવના કેળવીએ તેમજ પ્રેમ, દયા, કરુણાના ભાવથી શિક્ષણ મેળવે તેવી શુભકામના પાઠવી હતી.

મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને માંગરોળ બંદર પ્રાથમિક શાળા, સોસાયટી બંદર પ્રાથમિક શાળા, પરમેશ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા તેમજ નવદુર્ગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી તિરુપતિ હાઇસ્કુલમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બંને સ્થળે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે બાળકોને પ્રવેશ તેમજ તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાલવાટિકા માં કુલ ૬૦ બાળકો સહિત ૩૬૭ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.મંત્રીશ્રીના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણ અધિકારી ભાવસિંહ વાઢેળ, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેંટ ઉપ સચિવ શીતલબેન પટેલ, ખારવા સમાજના અગ્રણી પરસોતમભાઈ ખોરાવા, વેલજીભાઈ મસાણી તેમજ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)