જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓની મરામતનું કામ હવે પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં માવઠાના કારણે અનેક માર્ગો પર વૃક્ષો પડી જવા, ઝાડી ઝાંખરા વધવા તેમજ માઇનર સરફેસ ડેમેજ થવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
તેણે પગલે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા અસરગ્રસ્ત માર્ગોને પૂર્વવત્ કરવાની કામગીરી સતત અને ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૩ રસ્તાઓની મરામત પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં વિવિધ તાલુકાઓના મુખ્ય તથા જોડાણ માર્ગોનો સમાવેશ થાય છે.
તદુપરાંત હાલમાં જૂનાગઢ તાલુકાના મજેવડીથી વાલાસીમડી સુધીના માર્ગ પર મેટલ પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હજુ બાકી રહેલા રસ્તાઓનું રીપેરીંગ કામ પણ ટૂંક સમયમાં પૂરુ કરવામાં આવશે.
આ સમગ્ર કામગીરી માટે મશીનરી સાથે માનવબળ તહેનાત કરી માર્ગોને ચોખ્ખા અને વાહનચલનયોગ્ય બનાવવાનો પુરજોશ પ્રયાસ ચાલી રહ્યો છે. કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલ દ્વારા મરામત કામગીરીની સતત મોનીટરીંગ કરવામાં આવી રહી છે જેથી દરેક કામ ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂરું થાય.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ