જુનાગઢ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા સૌપ્રથમ નવા કાયદાઓનો પ્રયોગ કરવામાં આવ્યો .ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય ન્યાય સંહિતાનો પ્રયોગ કરવામાં આવ્યો

જુનાગઢ

ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 133 ના બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)ની કલમ 152 અને 160(૨) તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188 ને બદલે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 223 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જુનાગઢ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરમાં ઘાસચારો વેચીને જાહેર ત્રાસદાયક કૃત્ય કરતા ઈસમ વિરુદ્ધ હુકમ કરાયો

જિલ્લા કલેકટર શ્રી જુનાગઢ શ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સંકલન બેઠકમાં પ્રાંત અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી તે મુજબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જુનાગઢ ને ઉદ્દેશીને જાહેરમાં ઘાસચારો મોટા પ્રમાણમાં વેચી શહેરમાં ગંદકી ફેલાવતા ઈસમ વિરુદ્ધ ફરિયાદ મોકલવામાં આવેલ હતી.

આ બાબતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જુનાગઢ ચરણસિંહ ગોહિલ દ્વારા તેને જાહેર ત્રાસદાયક કૃત્ય ગણી અગાઉ ફોજદારી કાર્યરીતિ સહિતાની કલમ 133 હેઠળ આવું કૃત્ય દૂર કરવા હુકમ કરવામાં આવતો હતો તે હવે નવા અમલમાં આવેલા કાયદા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા(BNSS) કલમ 152 હેઠળ હુકમ કરવામાં આવ્યો હતો. જે મુજબ અમીન ઉંમર ચૌહાણ નામના ઈશમ ઉપર કુલ નવ ગુના દાખલ થયેલ હતા તેમાંથી આઠ ગુનામાં તે તકસીરવાન સાબિત થયેલ હોવા છતાં તેણે પોતાની જાહેર ત્રાસદાયક કૃત્યની પ્રવૃત્તિ બંધ ન કરતા અને જાહેરમાં ઘાસચારો વેચવાનું ચાલુ રાખેલ જેના કારણે તે વિસ્તારમાં ગંદકી, ઉપદ્રવ, કાયદો વ્યવસ્થા અને રોગચાળાની પરિસ્થિતિ ફેલાતી હતી.

જો તે આ હુકમ નો અનાદર કરશે તો તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 223 હેઠળ ફરિયાદ દાખલ કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે. ઉપરાંત જો મહાનગરપાલિકા જૂનાગઢને તેનું આ કૃત્ય દૂર કરવા કોઈ ખર્ચ કરવો પડશે તો તેનો ખર્ચ પણ ઈસમ પાસેથી વસૂલ લેવા અથવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS) ની કલમ 160(૨) મુજબ જંગમ મિલકતની જપ્તી કરી તેને વેચી દઈને ખર્ચ વસૂલ કરવા પણ હુકમ કર્યો છે.
જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા એ નવા કાયદાનો પ્રયોગ સરાહનીય ગણાવ્યો છે અને આગામી સમયમાં આવું જાહેર ત્રાસદાયક કૃત્ય કરતા ઈસમોને ચેતવણી આપતા તેમના વિરુદ્ધ કડક પગલાં લેવા પ્રાંત અધિકારીઓને આદેશ કર્યો છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)