જુનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ હેઠળના જોષીપરા વિસ્તારમાં આવેલ માધવ એપાર્ટમેન્ટ ખાતે ગેરકાયદેસર રીતે ગંજીપતાના પાનાં તથા રોકડા રૂપિયાની હારજીત સાથે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી મોટી સફળતા મેળવી છે. કુલ ૯ ઇસમો (પુરુષ અને મહિલાઓ) ને ઝડપી લેવામાં આવ્યા છે અને કુલ રૂ.૨,૦૧,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તેમજ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલીયાના માર્ગદર્શન હેઠળ એ.બી. ગોહીલના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જોષીપરા સ્થિત આદર્શનગર-૦૧માં આવેલા માધવ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૩૦૪માં રહેતા હિતેષ રમણીકભાઈ બુમતાળીયાના મકાનમાં રેડ પાડી હતી.
તપાસમાં સામે આવ્યું કે આરોપી હિતેષ બુમતાળીયા પોતાના ઘર ખાતે બહારથી લોકો બોલાવી ગંજીપતાના પાનાં અને રોકડા પૈસાની હારજીત પર જુગાર રમાડતો હતો. સ્થળ પરથી કુલ ૯ ઇસમોને ઝડપવામાં આવ્યા છે જેમાં ત્રણ મહિલા પણ સામેલ છે.
કબજામાં લેવાયેલ મુદ્દામાલમાં શામેલ છે:
રોકડ રકમ રૂ.૬૫,૭૨૦/-
મોબાઇલ ફોન ૭ નંગ કિંમત રૂ.૩૦,૫૦૦/-
બાઇક ૫ નંગ કિંમત રૂ.૧,૦૫,૦૦૦/-
જુગાર માટેના ગંજીપતાના પાનાં
આ આરોપીઓમાંના નામ છે:
હિતેષ બુમતાળીયા, વજુભાઈ સાંગાણી, જયસુખ સાવલીયા, જીતેન્દ્ર ગુંદણીયા, રોનક કપુપરા, કવિતાબેન પંડિત, મનીષાબેન ગણાત્રા, કોમલબેન કપુપરા અને ભાવનાબેન બરવાડિયા – જે તમામ જુનાગઢના રહીશો છે.
આ કામગીરી દરમિયાન બી ડિવિઝન પોલીસના પો.હે.કો. રવિન્દ્ર વાંક, કરશન ભારાઈ, કૈલાસ જોગિયા, પરેશભાઈ હુણ, ભુપત ધુળા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત કામગીરી કરી હતી.
વિશેષતા એ છે કે રેડ માટે અગાઉથી નાયબ પોલીસ અધિક્ષક પાસેથી જુગાર ધારા હેઠળ ખાસ વોરંટ પણ લેવામાં આવ્યું હતું. હાલ આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ કલમ ૪ અને ૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ