જુનાગઢ, તા. 17 એપ્રિલ 2025 –
જૂનાગઢ શહેરના કાળવા અને વોકળા કાંઠે મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદેસર બાંધકામોની સામે હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી નથી, જે શહેરના નાગરિકોમાં ભારે અાસંતોષનો વિષય બની રહ્યો છે. શહેરના જાગૃત નાગરિક જગદીશ યાદવે મહાનગરપાલિકા કમિશ્નરને ઈમેઈલ મારફતે રજૂઆત કરી છે કે જેમ ધર્મસ્થળો સામે તત્કાલ અને નિષ્પક્ષ પગલાં લેવામાં આવ્યા છે, તેમ જ રીતે કાળવા કાંઠેના બાંધકામોને પણ હટાવવાની તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી જોઈએ.
જગદીશ યાદવે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી શહેરના કાળવા કાંઠે તેમજ વોકળા વિસ્તારમાં વ્યાપક ગેરકાયદેસર બાંધકામો થયા છે. જેના કારણે વરસાદી પાણીના વહેણમાં અડચણ આવી રહી છે અને રહેવાની જગ્યાઓમાં પાણી ઘૂસીને ઘરો અને વાહનોને મોટું નુકશાન થયું છે.
તેમણે મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે આવા દબાણો સામે ફક્ત નોટિસ આપી છોડવાની નીતિ રાખવામાં આવી છે અને હકીકતમાં કોઈ અમલવારી નથી થતી. તેઓએ દાવો કર્યો કે હાઈકોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા તદ્દન ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે, જે દબાણવશ દબાણકારો માટે પ્રોત્સાહનરૂપ બની રહી છે.
જગદીશ યાદવે તાકીદે આ મામલે યોગ્ય પગલાં લેવાની માંગ સાથે ચેતવણી આપી છે કે જો અમલ ન થશે તો સ્થાનિક નાગરિકો સાથે મળીને ગાંધી ચિંધેલા શાંતિપૂર્ણ આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.
શહેરના વિકાસ અને સુરક્ષા માટે આમ નાગરિકોની આવેદનને હવે જવાબદાર તંત્ર કેટલુ ગંભીરતાપૂર્વક લે છે એ જોવું રહ્યું.
અહેવાલ: પ્રકાશ કારાણી, જૂનાગઢ