જૂનાગઢના ઉપલા દાતાર ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવ 10મી જુલાઈ ગુરુવારે ધામધૂમથી ઉજવાશે.

જૂનાગઢ જિલ્લાના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ઉપલા દાતાર ધામ ખાતે આવનારી ગુરુવારે, તારીખ 10 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. આ પાવન અવસરે દાતાર ધામના મહંત શ્રી ભીમ બાપુના માર્ગદર્શન હેઠળ સમગ્ર દિવસ દરમ્યાન શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

ગુરુપૂર્ણિમા પ્રસંગે સવારના 10:00 કલાકે ધામના પવિત્ર ગુરુવર પૃજય પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ યોજાશે. ત્યારબાદ બપોરે તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

રાત્રિના ભજન સંધ્યા અને સંતવાણી કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ ભક્તિભાવથી ભજનની રમઝટ બોલાવવાની છે. આ આધ્યાત્મિક મહાયાત્રામાં ભાગ લેવા માટે મહંત શ્રી ભીમ બાપુ દ્વારા સર્વ દાતાર પ્રેમીઓ તથા સેવકોને પધારવા વિનમ્ર આમંત્રણ પાઠવાયું છે.

આધ્યાત્મિકતા, ભક્તિ અને ગુરુ શરણાગતિના પાવન મેળામાં ઉપલા દાતાર ધામ પુનઃ એકવાર ભક્તોથી સભર થવાનું છે.


અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ