જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂતમિત્રો માટે કૃષિ વિભાગ દ્વારા જમીનજન્ય રોગોના નિવારણ માટે બિનરાસાયણિક તથા પ્રાકૃતિક પદ્ધતિઓ આધારિત માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકા મુજબ, એક જ પાકનું વર્ષો સુધી સતત વાવેતર ન કરવાની ભલામણ સાથે ફેરબદલી પદ્ધતિ દ્વારા જમીનને આરોગ્યવાન રાખવા પર ભાર મુકાયો છે. ખાસ કરીને મગફળીના પાકમાં થડના કોહવારા રોગ માટે કપાસ, ઘઉં, ડુંગળી જેવા પાક સાથે ફેરબદલી કરવી અનિવાર્ય ગણવામાં આવી છે.
જમીનના પોષણ અને રોગનાશ માટે દીવેલી, રાયડો, લીંબોળી, મરઘાં-બતકના ખાતર, તેમજ જૈવિક નિયંત્રકો જેમ કે ટ્રાઈકોડર્મા હરજીયાનમ અને પ્યુડોમોનાસ ફ્લોરેસન્સના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે.
ઉદાહરણરૂપ, ટ્રાઈકોડર્મા ૫ કિ.ગ્રા. ને રાયડાના ખોળ સાથે ભેળવી વાવણી પહેલાં ચાસમાં આપવું, જમીનમાં રહેલા રોગકારકોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે.
મગફળીમાં જીજેજી-૩૩, અને તુવેરમાં રોગપ્રતિકારક જાતો વાવવાની સલાહ આપવામાં આવી છે.
પિયતનું યોગ્ય નિયમન પણ રોગ નિયંત્રણ માટે અગત્યનું હોવાનું જણાવાયું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી અનુસાર, બીજનો શુદ્ધિકરણ, ટ્રાઈકોડર્મા મિશ્રણ, અને ચાસમાં જૈવિક ઉપચાર જેવા ઉપાય જમીનજન્ય ફૂગ અને જીવાણુંઓ સામે અસરકારક છે.
અંતે, ખેડૂતમિત્રોને સલાહ આપવામાં આવી છે કે તેઓ વધુ માહિતી માટે ગ્રામસેવક, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી કે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક સાધે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ