જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા ભાદરવી અમાસ નિમિત્તે ગિરનાર પર્વતે ચા પ્રસાદી વિતરણ, હજારો ભક્તોએ લીધેલ લાભ.

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ ધર્મ અને સમાજસેવાની પરંપરા જાળવી રાખતા ભાદરવી અમાસ નિમિત્તે ગિરનાર પર્વતે આવેલ દામોદર કુંડ ખાતે વિશાળ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું. ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણ માટે પધારતા હજારો શ્રદ્ધાળુઓ માટે ચા રૂપે પ્રસાદીની વ્યવસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી.

વહેલી સવારે પાંચ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી ગાયત્રી મંદિર ખાતે ગિરનારી ગ્રુપના કાર્યકર્તાઓએ શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્વક ચા પીરસી હતી. વરસાદી માહોલ વચ્ચે પિતૃ તર્પણ કરવા આવેલા ભક્તોને આ પ્રસાદી સેવા ખૂબ જ રાહતરૂપ સાબિત થઈ હતી. હજારો ભક્તોએ આ સેવા નો લાભ લઈ ગિરનારી ગ્રુપની સેવાભાવી ભાવનાની પ્રશંસા કરી હતી.

આ આયોજનમાં ગિરનારી ગ્રુપ સાથે ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના નાગભાઈ વાળા તથા સેવાભાવી કાર્યકર્તાઓ સક્રિય રહ્યા હતા. દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, ભરતભાઈ ભાટીયા, હરિભાઈ કારીયા, પરેશભાઈ ઉનડકટ, ચિરાગભાઈ કોરડે, દેવભાઈ ઉનડકટ, પ્રિન્સભાઈ દેવાણી, મનીષભાઈ રાજા, ભાવેશભાઈ સુતરીયા, કપીલભાઈ સેતાએ પોતાની સેવાઓ આપીને આ સેવા કાર્યોને સફળ બનાવ્યા હતા.

તે ઉપરાંત લોક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમન નારાયણ ભોજનાલયમાં ભક્તોને ગરમા ગરમ ભજીયાની પ્રસાદી પીરસવામાં આવી હતી. આ સેવાકાર્યમાં વિજયભાઈ રાણપરીયા, નાથાભાઈ ગામી, પારસભાઈ બાબરીયા, મહેશભાઈ સાવલિયા, ઉમેશભાઈ ગોધાણી, જલ્પેશભાઈ ચોવટીયા, હિતેશભાઈ ફીણવીયા સહિતના અનેક સેવાભાવી સભ્યો જોડાયા હતા.

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા ગિરનારી ગ્રુપે ફરી એકવાર ધાર્મિક ભાવના સાથે લોકસેવા અને ભક્તસેવાની અનોખી પરંપરા જીવંત રાખી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ