જૂનાગઢ,તા.૭ જૂનાગઢ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં પીએમ પોષણ યોજનાના માનદવેતન ધારકોનીમુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અન્વયે કુકિંગ કોમ્પિટિશન યોજાઇ હતી.
જૂનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક તાલુકાના મામલતદારશ્રીઓ અને પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ દ્વારા જિલ્લાના તાલુકાઓમાં પીએમ પોષણ યોજના હેઠળ કામ કરતા માનદવેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારા હેતુ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાના નિયત મેનુ પૈકીની વાનગી ચાટ, સુખડી, ઉપલબ્ધ મિક્સ કઠોળ, સ્થાનિક મિલેટસ આધારિત તાલુકા કક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઇ હતી.
આ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના ૧૦ તાલુકાઓમાંથી બહોળી સંખ્યામાં માનદવેતન ધારકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ. ૫૦૦૦, રૂ. ૪૦૦૦, રૂ. ૩૦૦૦ ની રકમનો ચેક અને પ્રમાણપત્ર જિલ્લા તાલુકાના પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓના હસ્તે આપવામાં આવેલા હતા. તેમજ દરેક તાલુકાના પ્રથમ ક્રમાંકના વિજેતાઓને તાલુકા શ્રેષ્ઠ પીએમ પોષણ કુક ૨૦૨૪-૨૫ જાહેર કરવામાં આવ્યા હોવાનું જૂનાગઢ પીએમ પોષણયોજના જિલ્લા પુરવઠા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)