
જૂનાગઢ, તા. 24 એપ્રિલ, 2025
વરસો થી ખેતી કરતા ખેડૂતો માટે હવે એક નવી દિશા દરશાવતી સફળતા મળી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના ખેડૂત દંપતી, ચેતનાબહેન અને ઇન્દ્રેશભાઈ કોટડીયા, છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક કૃષિ અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની ચૂક્યા છે.
દંપતીએ હળદર, ચણા, મકાઈ, મગફળી, વરિયાળી અને સૂરજમુખી જેવા પાક સાથે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી છે. તેઓ કુલ 10 વીઘા જમીનમાં ખેતી કરી, પ્રત્યેક વર્ષે આશરે છથી સાત લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવે છે.
સરકારના આત્મા પ્રોજેક્ટની સહાય દ્વારા કૃષિને વેગ મળ્યો છે. સખી મંડળ સાથે જોડાયેલા રહેનાર ચેતનાબહેને જણાવ્યા મુજબ, તેઓએ જીવામૃત અને ઘન જીવામૃત જેવી આવશ્યક પ્રાકૃતિક સામગ્રીનું ઉત્પાદન કરવા માટે 60,000 રૂપિયાની સહાયથી એક યુનિટ ઉભું કર્યું છે, જેના માધ્યમથી અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન અને ઉત્પાદન આપવામાં આવે છે.
મુંબઈ, અમદાવાદ, અંકલેશ્વર જેવા શહેરોમાં તેમની હળદર સહિતના પેદાશોની ઊંચી ડિમાન્ડ રહે છે. તેઓ પ્રાકૃતિક હાટ, મેળા અને સરસ મેળામાં સીધું વેચાણ કરે છે, જેથી મિડલમેન વગરનું વધુ નફાકારક માર્કેટિંગ શક્ય બન્યું છે.
ચેતનાબહેન જણાવે છે કે, “પ્રાકૃતિક ખેતીના પ્રારંભમાં થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ હવે જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન અને નફો સતત વધતો જાય છે.”
તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, ચેતનાબહેનને વિસાવદર ખાતે પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવી હતી, જેના થકી તેઓ પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે વધુ પ્રેરણા મેળવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ