જૂનાગઢ તા. ૧૭ :
રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના નેતૃત્વમાં, બગડુ ગામે ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા માટે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તિરંગો લઈને ઉત્સાહભેર જોડાયા હતા અને ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમ માટે ગૌરવ અનુભવી દેશભક્તિથી ભરાયા હતા.
તિરંગા યાત્રાની શરૂઆત બગડુ ગામની માધ્યમિક શાળાથી થઈ હતી અને યાત્રા નવદુર્ગા ગરબી ચોક સુધી સાંકેતિક રીતે પસાર થઈ હતી. ડિજેના રણભેરી જેવા ધ્વનિમાં દેશભક્તિથી ઓતપ્રોત ગીતો ગુંજી ઉઠ્યા, જે સમગ્ર ગામને રાષ્ટ્રપ્રેમથી રૌશન બનાવી દીધું.
યાત્રા પૂર્વે ગામ અગ્રણીઓ દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા.
જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ ડોબરીયાએ યાત્રાની પૂર્વભૂમિકા રજૂ કરી અને શાબ્દિક સ્વાગત પણ કર્યું હતું.
તિરંગા યાત્રામાં જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તાલુકા પંચાયતના સભ્ય મહેન્દ્રભાઈ ડોબરીયા, અગ્રણી સર્વશ્રી રસિકભાઈ વેકરીયા, લાલજીભાઈ ડોબરીયા અને ઉપસરપંચ ભરતભાઈ ડોબરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ યાત્રા માત્ર એક રાષ્ટ્રીય અભિવ્યક્તિ નહિ પણ ભારતીય સેનાના શૌર્ય માટે જનતાની અનન્ય કૃતજ્ઞતા અને ગૌરવનું પ્રતિક બની રહી હતી.
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ