જૂનાગઢના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્યકક્ષાનું સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પનું આયોજન..

સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાનું સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકારશ્રીના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતમાં વસતા અને પોતાની અલગ ઓળખ ધરાવતા વિશેષ પ્રતિભાશાળી સિદ્દી બહેનો-ભાઈઓને એક વિશેષ તક આપવા ગુજરાત કટીબંધ છે. ત્યારે આગામી દિવસોમાં વર્ષ ૨૦૩૬ના ઓલમ્પીકને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા આ કેમ્પ યોજવામાં આવેલ છે. તે અંતર્ગત તા.૧૫/૧૨/૨૦૨૪ થી ૨૭/૧૨/૨૦૨૪ દરમિયાન બહેનો અને ભાઈઓ એમ બે વિભાગમાં સાત દિવસીય તાલીમ શિબિર અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જેના ભાગરૂપે બેઠક નુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના નિષ્ણાંત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપી સિદ્દી બહેનો-ભાઈઓના રમત કૌશલ્યની ઓળખ કરવામાં આવશેઆ તાલીમ કેમ્પમાં ગુજરાતના દરેક જિલ્લાની જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ડોર ટુ ડોર નોધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. અને સમગ્ર ગુજરાતમાં ૮ થી ૧૪ વર્ષના બાળકોની જિલ્લાકક્ષાએ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, જેઓના હવે રાજ્યકક્ષાએ સિદ્દી ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન કેમ્પ તા.૧૫ થી ૨૭ ડીસેમ્બર ૨૦૨૪ દરમિયાન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, જૂનાગઢ ખાતે યોજવામાં આવી રહ્યો છે.

આ કેમ્પમાં તેઓને તાલીમ ભોજન, નિવાસ, ટી-શર્ટ અને આવવા-જવાનું પ્રવાસ ભથ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે. આવા પ્રયાસોથી સમગ્ર ગુજરાતમાં રહેલ રમત પ્રતિભાઓને અને ખાસ કરીને જંગલ વિસ્તારમાં રહેલી સુષુપ્ત શક્તિને ઉજાગર કરી વર્ષ ૨૦૩૬ ઓલમ્પીક માટે તૈયાર કરવાની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તૈયારી કરવામાં આવી છે. જેની સત્તાવાર યાદી ભૂષણ કુમાર યાદવ, જિલ્લા રમત વિકાસ અધિકારી, દ્વારા જણાવવામાં આવે છે.

ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓમાં કૌશલ્યલક્ષી અભિગમ કેળવાય એ હેતુથી સ્કિલ કોમ્પિટિશનનું આયોજન

જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જૂનાગઢ પ્રેરિત તેમજ સમગ્ર શિક્ષા જૂનાગઢ આયોજિત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જિલ્લા કક્ષાનો કૌશલ્યોત્સવ એટલે કે સ્કિલ કોમ્પિટિશનનું આયોજન આજરોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યુ હતું. ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે વ્યવસાયલક્ષી અભિગમ કેળવાય અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં તે આગળ વધી શકે અને કૌશલ્યલક્ષી અભિગમ કેળવાય એ હેતુથી આયોજિત આ કૌશલ્યોત્સવમાં જૂનાગઢ જિલ્લાની ૪૨ શાળાઓના ૧૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી લતાબેન ઉપાધ્યાય, એન.આર.ઉમરડિયા આઈ.ટી.આઈ જૂનાગઢ, આરવી મોરવાડિયા મહિલા આઈ.ટી.આઈ, દેવેનભાઈ રાઠોડ ડી.ઈ.ઓ કચેરી, જલ્પાબેન ક્યાડા, જ્યોત્સનાબેન પરમાર સમગ્ર શિક્ષા જિલ્લા કોર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)