જૂનાગઢની બહાઉદીન સરકારી વિનયન કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો બીજ વિતરણ અને વૃક્ષારોપણ સાથે પ્રવેશ .

જુનાગઢ

જૂનાગઢ શહેરમા આવેલ સવા સો વર્ષથી વધારે જૂની એવી બહાઉદીન સરકારી વિનયન કોલેજ માં ચાલુ વર્ષે નવો પ્રવેશ મેળવતા એફ.વાય. બી.એ. ના વિદ્યાર્થીઓ માટે ભારતીય પરંપરા મુજબ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .

જે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કોલેજમા અભ્યાસ કરી ચુકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ હોંગકોંગ નિવાસી ઉદ્યોગપતિ શ્રી વિજયભાઈ શેઠ અનસુયાબેન શેઠ તથા મેઘનાબેન શેઠ, બીજ બેંકના ઉપક્રમથી જાણીતા શ્રી ભરતભાઈ નસીત અને મીતાબેન નસીત ઉપરાંત બહાઉદીન સાયન્સ કોલેજના આચાર્ય શ્રી ડો. આર.પી .ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનું ભરતભાઈ દ્વારા આપવામાં આવેલ બીજ વિતરણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બીજ જંતુનાશક દવા વગરના હોય પારંપરિક રીતે મૂળભૂત શાકભાજીને સાચવવાનો અને પ્રાકૃતિક આહાર મેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકશ્રી દ્વારા વિદ્યાર્થીઓને કોલેજનો પરિચય આપી માહિતગાર કરવામા આવ્યા હતા. આ તકે કોલેજના આચાર્ય શ્રી ડો. પી.વી. બારસિઆ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કોલેજના એન.એસ.એસ સેલ દ્વારા “એક વૃક્ષ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો. જેમાં સર્વ અતિથિઓ પ્રાધ્યાપકશ્રીઓ અને નવાગંતુક વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. અંતે કાર્યક્રમના સફળ આયોજન બદલ આચાર્ય શ્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)