જૂનાગઢમાં આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પુસ્તકમાં ‘સપ્તધાન્ય’ દ્વારા અલગ અલગ પ્રકારના સહેલાઈથી ઉપલબ્ધ એવા કઠોળ, અનાજ અને દાળના ૮૦૦ ગ્રામ વિવિધ પ્રકારના દાણાની પેસ્ટથી તૈયાર થતું પાણી શાકભાજી અને ફળો ચમકાવવાની પ્રાકૃતિક દવા.

જૂનાગઢ

રાજ્યને આગામી પાંચ વર્ષમાં પ્રાકૃતિક કૃષિમાં ૧૦૦ ટકા પરિવર્તિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ સમયની માંગ હોવાની સાથે ખેડૂતો અને જમીન માટે પણ યોગ્ય છે. આ પદ્ધતિ દ્વારા કૃષિ કરી રહેલા ખેડૂતોને ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પન્ન થતી પેદાશોને આકર્ષક અને ચમકદાર બનાવવા માટે ખાસ કરીને ફળ અને શાકભાજી અને દાણામાં ચમક લાવવા માટે પણ પ્રાકૃતિક અને બિનખર્ચાળ ઉપાય કરવામાં આવતા હોય, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના પુસ્તકમાં આ દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયનું નામ ‘સપ્તધાન્ય’ છે.

સપ્તધાન્ય દ્વારા અલગ અલગ પ્રકારના સહેલાઈથી ઉપલબ્ધ એવા કઠોળ, અનાજ અને દાળના ૮૦૦ ગ્રામ દાણા દ્વારા એક ચોક્કસ પેસ્ટ બનાવી અને તેનો પ્રયોગ કરી શકાય છે.

સામગ્રી : સપ્તધાન્ય તૈયાર કરવા માટે તલ, મગ, અડદ, વટાણા, કોફી, મઠ, ચણા અને ઘઉંના દાણાં એમ દરેક ૧૦૦ ગ્રામની માત્રામાં લેવા.
રીત : એક નાની વાટકીમાં તલના ૧૦૦ ગ્રામ દાણાં લઈ તેમાં એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી બધા દાણાં પાણીમાં પલળી જાય. બે દિવસ બાદ એક મોટી વાટકીમાં ૧૦૦ ગ્રામ મગના દાણાં, ૧૦૦ ગ્રામ અડદના દાણાં, ૧૦૦ ગ્રામ વટાણાના દાણાં, ૧૦૦ ગ્રામ કોફીના દાણાં, ૧૦૦ ગ્રામ મઠના દાણાં, ૧૦૦ ગ્રામ ચણાના દાણાં, ૧૦૦ ગ્રામ ઘઉંના દાણાં ભેળવો. આ બધાને સારી રીતે ભેળવી તેમાં એટલું પાણી ઉમેરવું કે તેથી તે સારી રીતે પલળી જાય. ત્યારબાદ તેને ઘરમાં રાખો.

ત્રણ દિવસ બાદ બધા દાણાંને બહાર કાઢી લો, ત્યારબાદ કપડાની પોટલીમાં આ બધા દાણાંઓને બાંધવા અને તેને અંકુરિત થવા માટે ઘરની અંદર જ રાખવા. જે પાણીમાં દાણા પ્લાળવામાં આવ્યા હતાં તે પાણીને પણ ઢાંકીને રાખો. પોટલીમાં રહેલ દાણામાં જ્યારે ૧ સે.મી. લંબાઈના અંકુર બહાર નીકળે ત્યારે પોટલી ખોલવી અને તેની ચટણી બનાવવી

હવે ૨૦૦ લીટર પાણીમાં આ ચટણીને હાથ વડે સારી રીતે ભેળવી અને પહેલાં પલાળેલા પાણીને પણ આમાં ભેળવવું. આ તૈયાર થયેલા મિશ્રણને ૨ કલાક સુધી રાખો. બે કલાક બાદ આ મિશ્રણને હલાવી કપડાથી ગાળી લેવું. હવે ૪૮ કલાકની અંદર આનો છંટકાવ કરી દેવો. જ્યાં તેનો છંટકાવ કરેલો હશે ત્યાં ચમક આવી જશે.

પ્રાકૃતિક કૃષિના વિશેષ પાસાઓ : પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ૧૦ ટકા પાણી અને ૧૦ ટકા વીજળીની જરૂરિયાત રહે છે. એનો અર્થ કે ખેડૂતો પોતાની ૯૦ ટકા વીજળી-પાણીની બચત કરી શકે છે. આ પદ્ધતિમાં પાક ઉત્પાદન રાસાયણિક અને સજીવ ખેતી પદ્ધતિથી વધારે થઈ શકે છે. આ ઉત્પાદન ઝેરમુક્ત, ઊંચી ગુણવતાયુક્ત, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. આ ગુણવત્તાના કારણે વધુ માંગ હોવાના કારણે સારો ભાવ પણ મેળવી શકાય છે. પ્રાકૃતિક કૃષિનું સૂત્ર છે. ‘ગામના પૈસા ગામમાં, શહેરના પૈસા ગામમાં’ આ પાસાઓનો વિચાર કરી ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અને આધ્યાત્મિક કૃષિ અપનાવવી જોઈએ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)