જૂનાગઢ
ઉતરતાં ઉનાળાની ગરમીમાં ઘટાદાર વૃક્ષની છાંયા હોય, મંદ મંદ પવનની લહેરો વાતી હોય અને ખિલી ઉઠેલા મનનાં વિચારોને કોઈ કળાની કલમે કંડારાતા હોય, એવા દ્રષ્યો જો દેખાઈ જાય તો આંખોને ઠંડક મળે. હા, આજે 5મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કંઈક આવુ જ જોવા મળ્યુ જૂનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે આ વર્ષે, “જમીન પુનઃસ્થાપન, રણીકરણ અને દુષ્કાળ સ્થિતિસ્થાપકતા” ની થીમ ઉપર આજનો દિવસ ઉજવી રહ્યો છે.
આથી ઉપરકોટ કિલ્લાનું સંચાલન કરી રહેલ સવાણી હેરીટેજ કંઝર્વેશન પ્રા. લી. એ ગુજરાત રાજ્યના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ તેમજ ગુજરાત પ્રવાસન વિભાગનાં સહયોગથી કિલ્લામાં પોસ્ટર પેઈન્ટીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોસ્ટર પેઈન્ટીંગ કોમ્પિટિશન અને છોડનું વિતરણ કરાયું
જેમાં ત્રણ કેટેગરીમાં બાળકોને વહેંચી ત્રણેય માં પ્રથમ-દ્વિતીય-તૃતીય ક્રમાંકે આવનારને પ્રોત્સાહન ઈનામ અને બધા પાર્ટીસિપેંટને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આ કોમ્પિટિશનના નિર્ણાયક તરીકે જૂનાગઢના અગ્રણી કલાકાર એવા શ્રી રાજનીકાંતભાઈ અગ્રાવતે હાજરી આપેલ. સવાણી હેરીટેજ કંઝર્વેશન પ્રા. લી. ના જનરલ મેનેજરશ્રી રાજેશ તોતલાણી અને સમગ્ર સ્ટાફ દ્વારા બધા પાર્ટીસિપેંટને પ્રોત્સાહિત કર્યા હતાં. આ ઉપરાંત આજનાં દિવસે ભૂલાઈ ગયેલ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા માટીમાંથી બનાવેલ ચીજ-વસ્તુ ઓનું પ્રદર્શન અને વેચાણ પણ ઉપરકોટ કિલ્લા ખાતે રાખવામાં આવેલ હતું. જેમાં માટીના વાસણો, કાપડની થેલીઓ, ગાયનાં ગોબરમાંથી બનાવેલ અગરબત્તી, ચંપલ વગેરે સામેલ હતાં. ઉપરકોટ કિલ્લાનાં ઓપરેશન મેન્ટેનન્સ સ્ટાફ દ્વારા અહીં આવનાર પ્રવાસીઓને છોડ આપીને પર્યાવરણની શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)