ગરવા ગિરનારને સર કરવા ૩૯મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫ તા.૫-૧-૨૦૨૫ના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરશ્રીએ, ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા રાજ્યભરમાંથી આવનાર સ્પર્ધકોને રહેવા- જમવાની સુવિધાઓ માટે પૂર્વ તૈયારીઓની જાણકારી મેળવી હતી. ઉપરાંત જોખમી ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોને ત્વરિત જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે એમ્બ્યુલન્સ અને પુરતી મેડિકલ ટીમ તૈનાત રહે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં સ્પર્ધાને અનુલક્ષીને સાફ સફાઈ, વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે અને અન્ય જરૂરી સમારકામ માટે પણ કલેક્ટરશ્રીએ માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ૧૭મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫ ફેબ્રુઆરી માસની બીજી તારીખે યોજાનાર છે, ત્યારે તેના આયોજન અંગે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.
રાજ્યભરમાંથી સિનિયર-જુનિયર ભાઈઓ-બહેનોની કેટેગરીમાં કુલ ૧૨૦૭ સ્પર્ધકો ભાગ લેશે. જેમાં સિનિયર કેટેગરીમાં ભાઈઓ ૫૫૮, સિનિયર બહેનો ૧૪૯ અને જુનિયર કેટેગરીમાં ભાઈઓ ૩૬૬ અને જુનિયર બહેનો ૧૩૪ નો સમાવેશ થાય છે.
આ બેઠકમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી ગિરનાર આરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભાવેશ વાઢેર, સિવિલ હોસ્પિટલના ડો. પાલા સહિતના સંલગ્ન અધિકારીઓ અને વ્યાયામ મંડળના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)