રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ – ગાંધીનગર તથા કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે શરૂ થયેલ “કલા મહાકુંભ” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો જૂનાગઢ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ આજે સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ખાતે ભવ્ય રીતે યોજાયો.
આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓમાં ૧૭૦૦થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર પોતાની કલા રજૂ કરી, જેમાં વક્તૃત્વ, નિબંધ, કાવ્ય, ગઝલ, લોકવાર્તા, ચિત્રકામ, સર્જનાત્મક કારીગરી, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, વાંસળી, તબલા, વાયોલિન, ભવાઈ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથક, મોહિનીઅટ્ટમ સહિત કુલ ૩૭ પ્રકારની કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમ્મર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે,
“આપણા દીકરા દીકરીઓને નાનપણથી જ કલા અભિવ્યક્તિનો મંચ મળે તે માટે કલા મહાકુંભનું આયોજન અત્યંત જરૂરી છે. અભ્યાસ સાથે કલા અંગેની જાગૃતિ equally મહત્વપૂર્ણ છે. ગુજરાતના કલાકારો આજે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું કે, આપણા પ્રાચીન લોકનૃત્ય ગરબાને યુનેસ્કોની માન્યતા પ્રાપ્ત થવી એ ગુજરાત માટે ગૌરવની વાત છે.
કાર્યક્રમના અંતે આભારવિધિ જૂનાગઢ શહેરના પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
સ્પર્ધામાં જિલ્લા કક્ષાના વિજેતાઓને અનુક્રમે પ્રથમ ક્રમે રૂ. ૧૦૦૦, દ્વિતીય ક્રમે રૂ. ૭૫૦ અને તૃતીય ક્રમે રૂ. ૫૦૦ ના ઇનામો ડી.બી.ટી. માધ્યમથી આપવામાં આવશે.
આ પ્રસંગે મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, નિવાસી અધિક કલેકટર બી.એસ. બારડ, ગૌરવભાઈ રુપારેલીયા, સંસ્થાના નિયામક એલ.સી. પટેલ, લોક કલાકારો, શિક્ષકો, વાલીઓ તથા બહોળી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે તા. ૩૧/૦૮/૨૦૨૫ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ