ચોરી અને અન્ય ગુનાઓમાં મોબાઇલ ફોન અને લેપટોપના વધતા ઉપયોગને ધ્યાને લેતા હવે જૂનાગઢ જિલ્લામાં જૂના મોબાઇલ અને લેપટોપના વેચાણ અંગે રજીસ્ટર રાખવું ફરજિયાત બન્યું છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. પટેલ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર, હવે જિલ્લામાં મોબાઇલ કે લેપટોપના વેચાણ-ખરીદમાં ખરીદનાર અને વેચનાર બંનેની વિગતો નોંધવી ફરજિયાત રહેશે.
આમાં ખરીદનારનું નામ, સરનામું, ઓળખપત્રની નકલ, મોબાઇલ/લેપટોપની કંપની, મોડેલ, IMEI/સીરિયલ નંબર, બિલ નંબર, ખરીદ-વેચાણની તારીખ સહિતની માહિતી રજીસ્ટરમાં નોંધવી જરૂરી રહેશે.
તે જ રીતે રીપેરીંગ માટે આવતા ગ્રાહકોની પણ માહિતી – નામ, સરનામું, મોબાઇલ નંબર અને સહી સાથે નોંધવી પડશે.
આ જાહેરનામું તાત્કાલિક અમલમાં આવી ગયું છે અને તે તા. ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. ઓળખ પત્ર વિના કોઈ પણ મોબાઇલ કે લેપટોપ વેચી કે ખરીદી શકાશે નહીં.
આ નિયમનો ભંગ કરનાર વેપારીઓ સામે નિયમસર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામું જૂનાગઢ જિલ્લામાં તમામ મોબાઇલ અને લેપટોપ વેચાણકારોને લાગુ પડશે.
📌 અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ