જૂનાગઢમાં ધીરેન કારીયાની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ નાસતા ફરતા બે આરોપી ઝડપાયા.

જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી ગુનાઓમાં સંડોવાયેલી અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતી ધીરેન કારીયાની ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજસીટોક હેઠળ દાખલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ગજુગ્રાતના ટોપ-25 બુટલેગરોમાં ગણીાતા ધીરેન ઉર્ફે ડી.કે. કારીયા વિરુદ્ધ અગાઉથી જ GCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાયો હતો. આરોપી ધીરેન કારીયા પોતાના સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાંથી ખોટા દસ્તાવેજો દ્વારા દારૂની હેરફેર કરી પોતાનો નફો મેળવતો હતો.

આજ રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરતાં, ગુજસીટોક હેઠળ નાસતા ફરતા બે આરોપી કીરીટ ઉર્ફે કીડો છેલાણા અને ભુપત કોડીયાતરને જુનાગઢ શહેરના બીલખા રોડ ખાતેથી ઝડપી લેવામાં આવ્યા.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, એસ.પી. સુબોધ ઓડેદરા અને પો.ઇન્સ્પેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

હવે ગુજસીટોક હેઠળ સમગ્ર ટોળકી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ