જૂનાગઢમાં નરસિંહ મહેતાની ૫૬૯મી હારમાળા જયંતિ અંતર્ગત નરસિંહ મહેતા રચિત ભક્તિસભર પદગાન કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ માગશર સુદ સાતમનાં દિવસે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. તથા નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે નરસિંહ મહેતાની ૫૬૯મી હારમાળા જયંતિની ઉજવણી અંતર્ગત ગુજરાતના સુપ્રસિઘ્ધ કલાવૃંદ નાણાંવટી બ્રધર્સના સંગાથે શ્રી નરસિંહ મહેતાજી રચિત ભક્તિસભર પદગાન કાર્યક્રમનું આયોજન યુનિ.નાં કુલપતિ પ્રો.ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં હરીવાડી, ભુતનાથ પાસે, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમને પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, તેમજ ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષીય ઉદબોધનમાં ઉપસ્થિત જૂનાગઢ નાં પ્રુબધ્ધ સાહીત્ય રસીકોને સંબોધતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિશ્રી ત્રિવેદી એ ભગવાન ભોળાનાથ મહાદેવ પાસેથી નરસિંહ મહેતાને શંકર ભગવાને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવવા, રાસલીલામાં તલ્લીન થવુ, હાથમાં મસાલ પકડેલ હાથ બળી જવો, કૃષ્ણ ભગવાને એમને કેદાર રાગ આપવો, એક ગરીબ પરીવારને આર્થિક મદદ કરવા શાહુકારને ત્યાં કેદારો ગીરવે મૂકવો, જૂનાગઢના રાજાએ લોકોની ચડાવણીથી નરસિહ મહેતા પાસે જો ભગવાન જાતે આવીને હાર પહેરાવે તો જ સાચા ભક્ત માનવા અને દેહાંતદંડની સજા ભોગવવા અન્યથા ભક્તિ પ્રમાણિત કરવાનુ ફરમાન થવુ, નરસિંહ મહેતા એ પ્રભુને વિનવવા કેદાર રાગ ગાવો જરૂરી હતો. પ્રભુએ રાગ છોડાવ્યો અને નરસિંહ મહેતાએ કેદારો ગાઈ પ્રભુને બોલાવ્યા. ભગવાને પોતાના ગળામાંનો હાર નરસિહ મહેતાના ગળામાં પહેરાવ્યો આ વાત આપણે સૈા જૂનાગઢવાસી હોવાથી પરિચિત છીએ, આજે આપણે ૫૬૯મી હારમાળાના અવસરે ભક્તકવિનું જ્ઞાન સ્વાનુભૂતિનો સ્પર્શ પામ્યું હોઈ એની અભિવ્યક્તિમાં મૌલિકતા અને પરિપક્વતા સભર પદોમાં વેદાંતવિચારનો સ્પષ્ટ પ્રભાવ સાથે ભક્તિજ્ઞાનનાં આ પદોમાં નરસિંહનું કવિત્વ ઊંચી કોટિનું, શબ્દે શબ્દે સહૃદયતા ટપકતી અને લયમાં આરતનો તાર ગુંજતો નાણાવટી બ્રધર્સ દ્વારા પદગાનથી અનુભવ્યો છે. નરસિંહનું અનેક પાસાંવાળું કવિ વ્યક્તિત્વ એકંદરે સંતર્પકતાનો અનુભવ કરાવે છે. આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાએ પ્રસંગ અનુરૂપ વાત કરતા જણાવ્યુ હતુ કે, નરસિંહ મહેતાનાં જીવનકાળ દરમિયાન રચાયેલ પદો, કાવ્યો, અને ભજનોની રચનાઓ મૌખિક રીતે સચવાયેલી રચનાઓ વિષે અનેક લેખકો અને ઇતિહાસકારોએ સંશોધન કરેલા છે.નરસિંહ મહેતા ની રચનામાં “ઝુલણ છંદ” અને “કેદારો રાગ” મુખ્ય સ્વરૂપે જોવા મળે છે. કેટલાંક પદો તો ભાવ, લય, શબ્દભંગિ એ બધાંને કારણે ગુજરાતી ભાષાનાં આભૂષણરૂપ બની શક્યાં છે. નરસિંહના શૃંગારનિરૂપણમાં અનુભવી ભક્ત અને રસિક કવિનો સુભગ સમન્વય થયેલો અનુભવાય છે.કૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતિકાત્મકતા અર્પી નરસિંહે પ્રેમભક્તિનાં પદો આપ્યાં છે. તેમ અધ્યાત્મ જીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપતાં અને પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવતાં જ્ઞાનભક્તિવૈરાગ્યનાં પણ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહનું કવિત્વ શબ્દે શબ્દે સહૃદયતા ટપકે છે તેમ જણાવી ભક્તકવિ નરસિંહ મહેતાનાં હારમાળા જયંતી જયંતી પર્વે ભાવવંદના કરી હતી. કાર્યક્રમનાં પ્રારંભે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટનાં અધ્યક્ષ ધવલભાઇ વસાવડા એ સૈા નરસિહપ્રેમી કલામર્મી જૂનાગઢ વાસીઓને આવકારી જણાવ્યુ હતુ કે ઝૂલણા, ચોપાઈ, સવૈયા, દુહા વગેરે દેશીઓમાં રચાયેલાં ને વસંત, કેદાર, મલ્હાર, માલવ, રામગ્રી, સામેરી, પંચમ, ભૈરવ વગેરે સંગીતના રાગના નિર્દેશવાળાં નરસિંહનાં પદગાન પ્રસંગે શૃંગારપ્રીતિનાં અને ભક્તિજ્ઞાનનાં પદોમાં સરળ રસઘનવાણીનો આહલાદક પરિચય અને આનંદઘન અનુભૂતિનો સ્પંદ અનુભવવાનો આ અવસર છે. કાર્યક્રમને સફળ બનાવવા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. ડી.એચ. સુખડીયા, કલ્ચર સેલનાં ડો. રૂપલબેન ડાંગર અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ સાથે સક્રીય યોદાન આપનાર સંજીવભાઇ મહેતા અને ટ્રસ્ટનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)