જૂનાગઢમાં નાઈટ સાઇકલોથોનનું આયોજન, ૧૧ મે

જૂનાગઢ, તા. ૦૭:
અર્બન ડેવલપમેન્ટ વર્ષ ૨૦૨૫-૨૬ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી અંતર્ગત જુનાગઢમાં ૧૧ મેના રોજ નાઈટ સાઇકલોથોન યોજાશે.

આ આયોજનમાં જૂનાગઢ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડથી ગિરનાર દરવાજા સુધી સાયકલ રેલી યોજવામાં આવશે. આ કાર્યક્રમને લગતી પૂર્વ તૈયારી માટે આજે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

આ કાર્યક્રમમાં નરસિંહ મહેતાના પદ, ભજનો, ચિત્ર સ્પર્ધા, નિષ્ણાત તબીબોનું ઉદબોધન, અને મેદસ્વિતામાંથી સ્વસ્થ થયેલ દર્દીઓનો સંવાદ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.

બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર ડો. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, ડેપ્યુટી કમિશનર ઝાપડા, અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જૂનાગઢ