જૂનાગઢમાં નારી વંદન ઉત્સવઃ “મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ કચેરી તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિમિતે દરેક સરકારી કચેરીમાં કામકાજનાં સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત,પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩ હેઠળ રચવામાં આવેલા આંતરિક સમિતિના સભ્યો તથા મહિલા કર્મચારીઓની જાગૃત્તિ અર્થે સેમિનાર યોજાયો હતો.

“કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩” વિષય પર જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ સેક્રેટરી શ્રી પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમિનારમાં વિવિધ કચેરીના મહિલા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

જૂનાગઢ સ્થિત શ્રી એન.આર.વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજના પ્રોફસર ડૉ.નિરંજનાબેન મહેતાએ, કામકાજનાં સ્થળ પર કયા પ્રકારના વ્યવહારને “જાતીય સતામણી કહેવાય? જાતીય સતામણીનો ભોગ બનતી હોય તે મહિલાઓ આ અંગેની અરજી ક્યા સ્થળ પર અને કેટલા દિવસમાં કરી શકે? આ અંગે કાયદાકીય જોગવાઈ, દંડ અને સજાના પ્રાવધાનો, મહિલાઓના બંધારણીય અધિકારો, ઘરેલુ હિંસા, જાતિય સતામણી સામે કાયદાકીય રક્ષણ વગેરે વિશે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી. જી. સોજીત્રાએ તેમના ઉદ્દબોધનમાં, કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાયત અધિનિયમ – ૨૦૧૩ વિશે પ્રાથમિક વિગતો આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત વિગતો આપી હતી.

કામકાજનાં સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ “પ્રતિકાર” ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી બી.ડી.ભાડે શાબ્દિક સ્વાગત, પ્રાસંગિક ઉદ્દબોધન અને આભારદર્શન કર્યુ હતુ.

કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ કચેરી કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવી હતી, તેમ જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)