જૂનાગઢમાં નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે ભવ્ય સાયકલ રેલી યોજાઈ – કલેક્ટર રાણાવસિયાએ રમતગમતને જીવનનો હિસ્સો બનાવવા આહ્વાન કર્યું.

દેશના હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે નેશનલ સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત આજે જૂનાગઢમાં જિલ્લા વહીવટી તંત્ર, સ્પોર્ટ્સ ઓથોરિટી તથા રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે “સન્ડે ઓન સાયકલ રેલી”નું આયોજન કરાયું હતું.

આ સાયકલ રેલી ઝાંસીની રાણી સર્કલથી મોતીબાગ સર્કલ થઈને સરદારબાગ સુધી યોજાઈ હતી. સવારે લીલી ઝંડી બતાવીને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું. આ અવસરે અધિકારીઓ પોતે પણ સાયકલ પર સવાર થઈ નાગરિકો સાથે જોડાયા હતા.

કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું કે રમતગમત માત્ર સ્પર્ધા નહીં, પરંતુ જીવનનો અવિભાજ્ય ભાગ છે. યુવાનો અને નાગરિકો રમતો દ્વારા તંદુરસ્ત રહે અને સમાજમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધે તે હેતુસર આવા કાર્યક્રમો આયોજિત કરાયા છે.

ત્રણ દિવસ સુધી ચાલેલી સ્પોર્ટ્સ ડે ઉજવણી અંતર્ગત દોડ, ફૂટબોલ, રસ્સાખેંચ, સાયકલ રેલી અને ગોળાફેંક સહિતની રમતો યોજાઈ હતી. જેમાં શાળાઓ, કોલેજો, વિવિધ સંસ્થાઓ તેમજ જિલ્લાના લગભગ ૫૦૦ જેટલા સરકારી કર્મચારીઓ-અધિકારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આજે યોજાયેલી સાયકલ રેલીમાં નગરજનોએ ઉમટીને ભાગ લીધો હતો. તેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જાડેજા, શહેર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ, સાયકલિસ્ટ્સ, સરકારી કચેરીના અધિકારીઓ, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

જૂનાગઢમાં યોજાયેલી આ ભવ્ય સાયકલ રેલી દ્વારા “રમતગમતને જીવનનો હિસ્સો બનાવી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ” એ સંદેશો આપવામાં આવ્યો હતો.