જૂનાગઢમાં બાગાયતદાર ખેડૂતો માટે વિવિધ સહાય યોજના હેઠળ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

જૂનાગઢ, તા. 16મે:
રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ, બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે જુનાગઢ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને વિવિધ પ્રકારની સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. નાની નર્સરીથી લઈને આધુનિક કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસિંગ યુનિટ સુધી વિવિધ સહાયકારક પ્રોજેક્ટો હેઠળ ખેડૂતોને ટેકનિકલ અને આર્થિક સહાય મળશે.

આ યોજનાઓમાં નાની નર્સરી સ્થાપના, પોલીહાઉસ/હાઇબ્રિડ માળખા, નેટ હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પ્રી-કૂલિંગ યુનિટ, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ, સોલાર ડ્રાયર અને મૂલ્યવર્ધન માટેના સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ જેવા અગત્યના ઘટકો સામેલ છે.

આ સહાય મેળવવા માટે ખેડૂતોને આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http://ikhedut.gujarat.gov.in) પર જઈને ૦૯ જૂન ૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે, આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા વિના અરજી મંજૂર નહીં થાય.

આગળ, અરજી સાથે જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને અરજી કન્ફર્મ થયા બાદ પ્રિન્ટઆઉટ ખેતીદારો પાસે રાખવી જરૂરી છે. મંજુરી મળ્યા પછી ક્લેમ સબમિટ કરવા સાથે તમામ પ્રમાણપત્રો સાથે નાયબ બાગાયત નિયામક, સરદાર બાગ, નીલમબાગ, લઘુકૃષિ ભવન, જૂનાગઢ ખાતે મોકલવા અનિવાર્ય રહેશે.
સંપર્ક માટે ફોન નંબર: ૦૨૮૫-૨૬૩૫૦૧૯.

આ યોજનાના માધ્યમથી જુનાગઢ જિલ્લામાં બાગાયત વ્યવસાયને વધુ સક્ષમ બનાવવા તથા ખેડૂતોને નવું ટેકનોલોજી અને આધુનિક સાધનો પ્રદાન કરવા સરકાર પ્રયત્નશીલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ