જૂનાગઢમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ અને ગુજરાતી વિભાગ દ્વારા “પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ” વિષય પર સેમિનાર યોજાયો.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ઇતિહાસ અને ગુજરાતી ભવન દ્વારા “પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ” વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારનું પ્રેરણાસ્ત્રોત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ હતા, જ્યારે ઈતિહાસ-ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો. વિષ્ણાલ જોશી માર્ગદર્શક તરીકે જોડાયા હતા.

વિશિષ્ટ મહેમાન તરીકે પ્રકૃતિવિદ પરસોત્તમભાઈ સિદપરાએ વિદ્યાર્થીઓ સાથે પોતાના વ્યાખ્યાનમાં અનુભવભરેલી વાતો શેર કરી. તેમણે વિશ્વના વીસથી વધુ દેશોની યાત્રા દરમિયાન પર્યાવરણ અને ટેકનોલોજી અંગે મેળવેલી માહિતીના આધારે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. જેમ કે – જળ સંચયની પદ્ધતિઓ, ગૌસંવર્ધનના લાભો, જમીન અને માનવ શરીર પર રસાયણોના દૂષણના દૂરસ્થ પરિણામો, અને પ્રકૃતિનું વૈજ્ઞાનિક અનુસંધાન.

તેમણે જણાવ્યું કે ગર્ભસંસ્કારથી લઈને લુપ્તપ્રાય જીવજાતિઓ જેવા કે ગીધ, કાગડો, ઝરખ, વરુ, શિકારી કુતરા માટે આજે જે પરિસ્થિતિ છે, તેવી જ સ્થિતિ આગામી સમયમાં મનુષ્યજાતિ પર પણ આવી શકે છે. આ દિશામાં અવલોકન અને જાગૃતિ અભિયાનની જરૂરિયાત છે.

કાર્યક્રમમાં યુનિવર્સિટીના ઇતિહાસ-ગુજરાતી ભવનના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. વિશેષ મહેમાન પરસોત્તમભાઈ સિદપરાનું પરિચય ડૉ. પારુલ ભંડેરી દ્વારા આપવામાં આવ્યું. સેમિનાર દરમિયાન પ્રો. રમેશ ચૌહાણ, ડૉ. લલિત પરમાર, ડૉ. કિશોર વાળા, તેમજ પીએચડી સ્કોલર દર્શિત ગુજરાતી ઉપસ્થિત રહ્યા.

સેમિનારના અંતે પ્રો. અતુલ બાપોદરા અને પ્રો. વિશાલ જોશી દ્વારા મહેમાનનું પુષ્પગ્રંથથી સન્માન કરવામાં આવ્યું.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ