શ્રી ગણપતિ મહોત્સવની ઉજવણીમાં ભક્તિ સાથે આરોગ્યનો સંગમ સર્જવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના માર્ગદર્શન હેઠળ ૨૯ ઓગસ્ટના રોજ શહેરના ગણેશજીના પંડાલમાં વિશાળ યોગ શિબિર યોજાઈ હતી.
આ યોગ શિબિરનું મુખ્ય ઉદ્દેશ ભક્તિ સાથે શરીર અને મનની તંદુરસ્તી જાળવવાનું હતું. પંડાલમાં આવનારા ભાવિકોને દર્શન સાથે યોગાભ્યાસ કરવાની પ્રેરણા મળી હતી. ખાસ કરીને રાજ્ય સરકારના “મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન”ને આગળ ધપાવવા આ યોગ શિબિર એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ રહી છે.
આ શિબિરમાં ૪૦ જેટલા યોગ સાધકો સક્રિય રીતે જોડાયા હતા. વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. યોગના અભ્યાસથી શરીરને ચેતનાશક્તિ, મનને શાંતિ અને ભક્તિને નવી ઊંચાઈ મળતી હોવાનો અનુભવ સાધકોએ વ્યક્ત કર્યો.
યોગનંદન ગ્રુપના પ્રણેતા અને અનુભવી યોગાચાર્ય પ્રતાપચંદ્ર થાનકીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર યોગ શિબિર યોજાઈ હતી. તેમણે ઉપસ્થિત જનસમૂહને દૈનિક જીવનમાં યોગના મહત્વ અંગે સમજાવ્યું. સાથે સાથે નિયમિત યોગથી થતા આરોગ્યલાભો વિષે વિગતવાર માહિતી આપી.
સ્થળ પર ઉપસ્થિત દર્શકો અને ભાવિકોએ આ યોગ શિબિરને ખુબ જ સરાહનીય ગણાવી. ગણપતિ પંડાલમાં ભક્તિની સાથે યોગાભ્યાસનો આ અનોખો સંગમ સૌ માટે પ્રેરણાસ્રોત બની રહ્યો છે.
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ