જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં રેલવેએ મહત્વની ભૂમિકા ભજવી હતી!!

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું આયોજન કરવામાં આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવની પૂજા અને ઉપાસનાનો સૌથી મોટો દિવસ એટલે કે “મહાશિવરાત્રી” જૂનાગઢમાં દર વર્ષે મીની કુંભ તરીકે ઉજવવામાં આવે છે. સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે મહાદેવ શંકર અને પાર્વતીનું મિલન જૂનાગઢમાં થયું હતું, ત્યારથી તેમની મુલાકાતને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢમાં આવેલું ગિરનાર નવનાથ અને 84 સિદ્ધોનું ધામ પણ છે. મહાશિવરાત્રીના દિવસે મેળો લગવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. મેળા દરમિયાન સંતો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં જૂનાગઢ પહોંચે છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર જૂનાગઢ આવવા અને પરત જવા માટે રેલવે એ એક સસ્તું અને મહત્વનું પરિવહન છે. ભાવનગર ડિવિઝનલ રેલવે એડમિનિસ્ટ્રેશન, “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને, તેમની સુવિધા માટે વધારાની વિશેષ ટ્રેનો ચલાવે છે અને કેટલીક ટ્રેનોમાં વધારાના કોચની સુવિધા પૂરી પાડે છે. “મહાશિવરાત્રી મેળા 2025” નિમિત્તે, 22.02.2025 થી 27.02.2025 સુધી અમરેલી-જૂનાગઢ વચ્ચે મીટરગેજ વિશેષ ટ્રેનની એક જોડી દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત 23.02.2025 થી 28.02.2025 દરમિયાન વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેન અને 25.02.2025 થી 27.02.2025 દરમિયાન જૂનાગઢ-રાજકોટ વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવી હતી. મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને આ રૂટ પરની 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ પણ લગાવવામાં આવ્યા હતા.
ભીડ વ્યવસ્થાપન અને પરિક્રમા મેળાની તમામ વ્યવસ્થાઓ પર દેખરેખ રાખવા માટે સહાયક વાણિજ્ય પ્રબંધકક, સહાયક સુરક્ષા આયુક્ત અને સહાયક મંડળ ઈજનેરનો સમાવેશ કરતી સમિતિની રચના કરવામાં આવી હતી. મુસાફરોની સુવિધા માટે, સ્ટેશન પર બે વધારાના ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા, જે ચોવીસ કલાક કાર્યરત હતા. મુસાફરોને માર્ગદર્શન આપવા માટે “શું હું તમને મદદ કરી શકું છું” બૂથ ચોવીસ કલાક ચલાવવામાં આવ્યું હતું. મેળા દરમિયાન કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા સ્ટેશન પર મેડિકલ ટીમ સાથે સેન્ટ જોન બ્રિગેડની એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમગ્ર મેળા દરમિયાન કોઈ અઘટિત ઘટના બની ન હતી કે ટ્રેનના છત પર કોઈ મુસાફરી કરી ન હતી. મુસાફરોને ટ્રેનના સમય અને અન્ય જરૂરી માહિતી આપવા માટે વારંવાર જાહેરાત કરવામાં આવી હતી.
મેળાના સમયગાળા દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે સ્ટેશન પર વધારાના આરપીએફ સ્ટાફ અને જીઆરપી સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. ઉપરાંત ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ તૈનાત કરવામાં આવી હતી. મુસાફરોને ચોવીસ કલાક સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. મેળા દરમિયાન તમામ કેટરિંગ યુનિટ 24 કલાક ખુલ્લા રાખવામાં આવ્યા હતા.
ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ, મુસાફરોની તમામ સુવિધાઓ એવી રીતે ગોઠવવામાં આવી હતી કે તે સરળતાથી સુલભ અને દિવ્યાંગો માટે ઉપયોગી બની હતી. દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિક મુસાફરોની સુવિધા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ