જૂનાગઢ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનાં આર્થિક સહયોગથી સાજન ટ્રસ્ટ રાજકોટ દ્વારા જૂનાગઢ શહેરની લોઢીયાવાડી ખાતે અખિલ બ્રહ્માંડમાં એક શ્રી તુ હરી શિર્ષક તળે આદિ કવી નરસિંહ મહેતાનાં પદો, ભજનો, પ્રભાતિયાનો સાહિત્યીક વિશિષ્ટ કાર્યક્રમ ચાપરડા શૈક્ષણિક ધામનાં સંતશ્રી મુક્તાનંદ બાપુનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મક્તાનંદ બાપુએ અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે ભક્તકવિ નરસિંહ મહેતા બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા, એના અનેક પાસાઓ આપણે જોઇ શકીએ છીએ. નરસિંહ મહેતા ભક્તિમાર્ગનાં ઉપાસક બની ઈશ્વરની આરાધના કરી હતી. સદગૃહસ્થ, દાયીત્વ નિભાવનારા વ્યક્તિત્વનાં માલીક પણ હતા. એમણે પરંપરાઓનું નિર્વહન પણ કર્યુ છે.પિતાશ્રીનું શ્રાધ્ધ હોય, કે પછી દિકરી કુવરબાઇનાં લગ્ન હોય કે પછી પારિવારીક જવાબદારીઓનું વહન કર્યુ છે. તેમણે ભક્તિમાર્ગમાં હોવા છતાં બાકીની જવાબદારીઓથી પલાયનવાદ ક્યારેય સ્વીકાર્યો નથી. એમનું દાંપત્ય જીવન પણ પવિત્ર રહ્યુ છે. એમની ધીરજની પણ પરાકાષ્ઠા કેદારો ગીરવે મુક્યો તે છોડાવતી વેળાએ જોલવા મળે છે. નરસિંહ ભોળાનાથનાં પણ ઉપાસક રહી કૃષ્ણભક્તિમાં ઓતપ્રોત રહ્યા છે.
સંસ્કૃતિ, કલા, સાહિત્ય, સંગીતને પ્રાધાન્ય આપવામાં આવે તે શહેરમા વાદવિવાદ ઓછા થાય છે, ત્યાં લોકોના સમજણ અને બુદ્ધિ વધતી હોય છે, હકારાત્મક અને સકારાત્મક વિચારોનું થાય છે સિંચન
પુ. મુક્તનંદબાપુએ નરસીંહ રચિત પદો અને રચનાઓની વાત કરતાં જણાવ્યુ હતુ કે શૃંગાર, શાંત, અદભૂત, વીર, હાસ્ય અને ક્યાંક કરુણ રસ જોવા મળે છે. જેવો કાવ્યનો વિષય, પ્રસંગ, ઘટના કે બનાવ એવી એની રસસૃષ્ટિ જોવા મળે છે. શૃંગાર અને શાંત એ નરસિંહનાં કાવ્યમાં પ્રધાન રસ તરીકે ઉપસતા જોઇ શકાય છે, અમુક રચનાઓમાં ચમત્કારનાં બનાવોનો નિર્દેશ એ અદભૂત રસ છે, આકાશમાંથી ચાંદલિયો તોડી લાવવો અને કૃષ્ણનાં તોફાનો જેવા બીજા પ્રસંગોમાં વીરરસ છે, ગૃહત્યાગથી માંડીને કૃષ્ણ કે શિવ-શંકર-પાર્વતીનાં દર્શન દુર્લભ થતાં ભક્તનાં મનોભાવ વ્યથિત થાય, એની વ્યથા યા વિષાદ યા વિરહ એ વિપ્રલંભ શૃંગારનાં તો ઇશ્વરનાં મિલનયોગનાં નિર્દેશોમાં શૃંગાર જોવા મળે છે. એનાં વિષય, એનાં ભાવ, પ્રસંગો, રસકલા કે રસબોધ એમનાં પદોમાંનાં આત્મકથાત્મક, રાસલીલા, અપાર ઇશ્વર શ્રધ્ધા, કૃષ્ણપ્રીતિનાં કાવ્યો, જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યની કવિતાઓ, વાત્સલ્યપ્રીતિ યા શૃંગારપ્રીતિનાં કાવ્યો, આત્માથી માંડીને અધ્યાત્મનાં નિર્દેશ કરતાં પદોમાં ભાવાનુરુપ પક્ષ જોવા મળે છે. રાજ્ય સરકારનાં સાહિત્ય અકાદમી દ્વારા આ પ્રકારનાં કાર્યક્રમો લોકોનાં હ્રદયમાં સાહીત્ય રસને સદૈવ જીવંત રાખે છે.
કાર્યક્રમનાં ઉદઘાટક ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો. (ડો) ચેતન ત્રિવેદીએ પ્રાસંગિક ઉદબોધનમાં ઉપસ્થિત સહિત્યરસીક શ્રોતાઓને સંબોધતા જણાવ્યુ હતુ કે જે શહેરની અંદર સંસ્કૃતિ, કલા, સાહિત્ય, સંગીતને પ્રાધાન્ય આપવામાં આવે તે શહેરમા વાદવિવાદ ઓછા થાય છે, ત્યાં લોકોના સમજણ અને બુદ્ધિ વધતી હોય છે, હકારાત્મક અને સકારાત્મક વિચારોનું સિંચન થતું હોય છે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા નિયમિતપણે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. અમારી નેમ છે કે આવનારા દિવસોમાં કલાક્ષેત્રે કામ કરતા કલામર્મીઓને ભક્ત કવિ નરસિંહ મહેતા જીવનકવન એમ્બેસેડર તરીકે ઓળખવાની વાત કરવામાં આવશે, નિરંજનભાઈ રાજ્યગુરુને ભજનની દુનિયામાં ખેડેલ પ્રદાનને યાદ કરીને ડો. ચેતન ત્રિવેદી એ જણાવ્યું હતું કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી યુ.જી.સી.ના નવા નિયમોને ધ્યાને રાખીને નિરંજનભાઇ રાજ્યગુરુને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ બનાવવાની નેમ છે, ભક્ત કવિ નરસિંહ મહેતાએ આજથી ૬૦૦ વર્ષ પહેલાં સામાજિક સમરસતાની જ્યોત જલાવી હતી, જે આજે પણ ભવનાથ તળેટીએ જતા જાણે નરસિંહ મહેતાની કરતાલ પ્રતીતિ કરાવી જતી હોય એવું ભાસે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યક્ષેત્રિય વિસ્તારમાં અભ્યાસોત્સુક વિદ્યાર્થીઓની નરસિંહ મહેતા યુનિવર્સિટી પરત્વે રસની વાત કરતા ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે તાજેતરમાં ધોરણ ૧૨ ની લેવાયેલી પરીક્ષામાં શ્રેષ્ઠતમ ગુણ હાંસલ કરનાર એક વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર નરસિંહ મહેતા યુનિવર્સિટીમા અભ્યાસ કરવાની ઉત્સુકતા દાખવી છે,આ વાતની પ્રતીતિ એ કરાવી જાય છે કે નરસિંહ મહેતા યુનિવર્સિટી ગુજરાતની શ્રેષ્ઠ યુનિવર્સિટી પૈકીની એક યુનિવર્સિટી હોવાનું વિદ્યાર્થીઓના માનસ પર પ્રતિબિંબિત થયું છે. આવનારા દિવસમાં યુનિવર્સિટી શ્રેષ્ઠતમ અભ્યાસક્રમો સાથે ગુજરાતની આદર્શ અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિરમોર યુનિવર્સિટી બની રહેશે.
આ પ્રસંગે ઉપસ્થિત જૂનાગઢનાં ધારાસભ્યશ્રશ્રી સંજયભાઇ કોરડીયાએ ઐાપચારિક વાત દરમ્યાન જણાવ્યુ હતુ કે ગુજરાતી સાહિત્યનાં ‘આદિકવિ’ તરીકે ખ્યાત નરસિંહ મહેતા રસકવિ. ભક્તકવિ, જ્ઞાનમાર્ગીકવિ અને શૃંગારરસની સાથોસાથ સિધ્ધરસનો કવિ છે. મહેતાજીની ભક્તિની ગુજરાતી કાવ્યગંગાની ગંગોત્રી છે’. હાર, હૂંડી, મામેરુ, પિતાનું શ્રાધ્ધ અને શામળશાનો વિવાહ એ એમની આત્મલક્ષી રચનાઓ છે, ‘આત્મવૃત્તનાં પદો’, ‘કૃષ્ણ-બાળલીલાનાં પદો’, ‘રાસ-લીલાનાં પદો’, ‘ગોપી-ભક્તિનાં પદો’, ‘ભક્તિબોધનાં પદો’ અને ‘તત્વદર્શનનાં પદો’ આજેય લોકહ્રદયમાં એટલાજ ગવાય છે.
કાર્યક્રમનાં પ્રારંભે. સાજન ટ્રસ્ટનાં ચેતનભાઇ ટાંકે કાર્યક્રમમાં પધારેલ સાહિત્યમર્મી શ્રોતાજનો અને અતિથીઓને આવકારી જણાવ્યુ હતુ કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’,શિર્ષક તળે શ્રી ભક્તકવિ નરસિંહનાં પદો, ભજનો, પ્રભાતિયાનો સાહિત્યીક વિશિષ્ટ કાર્યક્રમ જૂનાગઢની સુજ્ઞ જનતા માટે સંભારણું બની રહેશે. ગણવંત ચુડાસમાં સંકલીત નરસિંહનાં પ્રભાતિયા ભજન અને પદોનું સાહિત્યીક શૃંગાર કાર્યક્રમની ગરીમા વધારશે. આ કાર્યક્રમમાં સંદિપ પ્રજાપતિ, ઉર્વશી પંડ્યા, અને અનિલ પટેલનાં સ્વરોમાં ગવાયેલ પદો ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’, ‘જળ કમળ છાંડી જાને બાળા’, ‘જાગીને જોવું તો જગત દીસે નહી’, ‘રાત રહે જાહરે’, ‘પઢો રે પોપટ રાજા રામનાં’, ‘સુખ દુઃખ મનમાં ન આણીએ’, ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’, ‘નારાયણનું નામ જ લેતા’, ’નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું શબ્દ બોલે’, ‘નાનું સરખું ગોકળિયું મારું વ્હાલે વૈકુંઠ કીધું રે…’પદોને ઓર્ગનનાં માણીગર મનિષ જોષી, બેન્જોવાદક વિક્રમ સોલંકી, અકટોપેડ પ્લેયર કલ્પેશ કાચા,ઢોલકનાં બાદશાહ જીજ્ઞેશ ગૈાસ્વામી, અને તબલાનાં નાદને વહેવડાવનાર મિલન પંડ્યાએ સંગીતનો સુર પુરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ધારા બુધ્ધે સંભાળ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંકલન સપ્તક સંગીત શાળાનાં વિપુલ ત્રિવેદીની સહાયતા સાથે ચેતન ટાંકે સંભાળ્યુ હતુ. આ કાર્યક્રમમાં પલ્લવીબેન જોષી, ધીરૂભાઇ પુરોહિત, મહેન્દ્રભાઇ પઢીયાર,ઉર્વીશ વસાવડા, હાસ્યકલાકાર જીતુભાઇ દ્વારકા વાળા, મંગલમુર્તિ ટ્રસ્ટનાં ધીરૂભાઇ પટેલ, અમિત ચરાડવા, નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટટનાંસભ્યશ્રીઓ, સહિત જૂનાગઢનાં પ્રબુધ્ધ નગરજનો અને સાહિત્ય સંગીત પ્રેમી શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ -જગદીશ યાદવ (જૂનાગઢ)