જૂનાગઢ તા.૧૮/૧૧ દાત્રાણાના શ્રી દિનેશભાઇ વલ્લભભાઇ વઘાસીયા જરૂરી કામ સબબ જૂનાગઢ આવેલ ત્યારે પોતાની બાઇક લઇ મધુરમથી બિલખા ગેટ તરફ જતા હતાં તે દરમ્યાન તેમની થેલી રસ્તામાં ક્યાંક પડી ગયેલ જે થેલીમાં રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- હતાં આ બાબતની જાણ જૂનાગઢ ડીવીઝન ના ડી.વાય.એસ.પી.શ્રી હિતેષ ધાંધલ્યા ને થતા તેમના દ્રારા તાત્કાલીક નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ને જાણ કરતા જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડીવાય. એસ.પી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પીએસઆઇ.પી.એચ.મશરૂ, પો.કોન્સ. અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા દિનેશભાઇની રૂ.૧,૦૦,૦૦૦/- સાથેની થેલી રામ નિવાસ સર્કલથી બિલખા ગેટ વચ્ચે પડેલ હોવાનું જાણવા મળેલ. નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રામ નિવાસ થી બિલખા ગેટ વચ્ચેના ફૂટેજ ચેક કરતા થેલી એક અજાણી વ્યક્તિ લઇને જતી હોય તેવુ CCTV માં સ્પષ્ટ નજરે પડેલ.
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા વ્યક્તિનો સંપર્ક કરી પૂછપરછ કરતા દિનેશભાઇ ના રૂ.૧,૦૦,૦૦૦/- રોકડ સાથેની થેલી તેમની પાસે હોવાનું જણાવેલ, આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દિનેશભાઇ વઘાસીયાના રૂ.૧,૦૦,૦૦૦/- સાથેની થેલી શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આમ જૂનાગઢ પોલીસ દ્વારા સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)