જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય રક્તપિત નાબૂદી માટે ખડે પગે કામગીરી કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લેપ્રેસી કેસ ડીટેકશન કેમ્પેઈન (LCDC) આગામી તા. ૧૨ થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન જૂનાગઢ જિલ્લાની અંદર ૬૪ ગામના ૨૧,૮૧૬ પરિવારમાં ૧,૦૫,૮૭૩ લોકોનો સર્વે કરવામાં આવશે. જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટિ કો-ઓર્ડીનેશન કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. અલ્પેશ સાલ્વી, અને જિલ્લા ક્ષય/લેપ્રેસી અધિકારી શ્રી ડો. સી.એલ.વ્યાસ હાજર રહ્યા હતા.
લેપ્રસીમાં મલ્ટી બેસીલેરીમાં ૧૨ મહિના અને પોસી બેસીલેરીમાં ૬ મહિના સારવાર આપવામાં આવે છે. સારવાર દરમિયાન દર્દીને ૮૦૦ રૂપિયા સહાય આપવામાં આવે છે અને આશા કાર્યકરો દ્વારા દવા પૂર્ણ કરવામાં આવે તો મલ્ટી બેસીલેરી ૬૦૦ રૂપિયા અને પોસી બેસીલેરી માં ૪૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. આ દવાઓ તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર મફત સારવાર માટે આપવામાં આવે છે. આ તકે આરોગ્યતંત્ર દ્વારા જણાવવામાં આવે છે કે આછું ઝાંખું અને રતાશ પડતું ચાઠું રક્તપિત હોઈ શકે, રક્તપિત રોગથી ગભરાવાની જરૂર નથી, નિયમિત સારવાર અને તકેદારી રાખવામાં આવે તો રક્તપિત ચોક્કસ મટી શકે છે. તેમ જિલ્લા ક્ષય/લેપ્રેસી અધિકારીશ્રી જૂનાગઢ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)