જૂનાગઢ, તા. 01 ઓગસ્ટ – જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો) સમિતિની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક આજે જૂનાગઢના ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં પીવા માટેનું શુદ્ધ અને સત્વરે ઉપલબ્ધ પાણી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત થાય એ દિશામાં અનેક મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટર તેજસ પરમારએ ઘરે ઘરે પાઈપલાઈન જોડાણની કામગીરી ઝડપથી પૂર્ણ થાય, ઊંચી ટાંકીનો નિર્માણકાર્ય ગુણવત્તાયુક્ત રીતે થાય તેમજ જ્યાં ક્યાં પાણીનું લીકેજ થાય ત્યાં તાત્કાલિક રીપેરિંગ હાથ ધરવામાં આવે – તેવી સ્પષ્ટ દિશા આપી.
સાથે જ ગામડાઓમાં જૂની અને જર્જરીત પાણી ટાંકીનું સર્વે કરાવવા અંગે સૂચના આપી, જેથી યુઝર માટે સંભવિત જોખમ દૂર કરી શકાય. વોટર ક્લોરિનેશન કામગીરી નિયમિત અને ગુણવત્તાસભર થાય એ માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી.
1916 વાસ્મો હેલ્પલાઇન નંબર પર આવતા ફરિયાદોના તાત્કાલિક અને અસરકારક નિવારણ માટે ખાસ ટીમ રચવા ઉપર ભાર મુકાયો. ત્યારબાદ લે ક્વિડ અને સોલિડ વેસ્ટના નિયત વર્ગીકરણ, ઘરેલુ સ્તરે ક્લોરિન ટેબલેટ અને બ્લિચિંગ પાવડરનું વિતરણ, ગ્રે વોટર ટેસ્ટિંગ રિપોર્ટની સમીક્ષા અને ગ્રાન્ટ ફાળવણી અંગે ચર્ચા કરાઈ.
ઉપરાંત ગામડાઓમાં સામુહિક કચરા માટે કમ્પોસ્ટ પીટ અને શોક પીટના નિર્માણ, દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલય બનાવવાની કામગીરી, પાણીની મોટર સ્થાપન, બોર અને હેન્ડ પંપની જરૂરિયાત અંગે પણ ચર્ચા થઈ.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પોતાના ક્ષેત્રની કામગીરી અંગે વિગતો આપી.
વાસ્મો સમિતિની આ બેઠક આજે જિલ્લા વિકાસ માટેના મહત્વના નિર્ણયો અને કાર્યો માટે માર્ગદર્શક બની હોવાનું જણાવાયું છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ