જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરના વોર્ડ નં. ૧ થી ૧૫ સુધી ગટર મેઈનહોલની સફાઈ કામગીરી ચાલુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૨૫૯ મેઈનહોલની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોંશીયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર તથા અન્ય વડા હસ્તીઓના માર્ગદર્શન હેઠળ સેનીટેશન શાખા દ્વારા આયોજનબદ્ધ રીતે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે.
તારીખ ૧ એપ્રિલ ૨૦૨૫થી કાર્યરત આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વોર્ડમાં મેન્યુઅલ કર્મચારીઓ તથા ત્રણ જેટિંગ મશીનોના ઉપયોગથી કામગીરી ચાલતી રાખવામાં આવી છે.
આજદિન સુધી જેેટિંગ મશીનથી ૩૪૭૧ ગટર ચેમ્બર અને મેન્યુઅલ રીતે ૬૭૮૮ ચેમ્બર, આમ મળીને કુલ ૧૦૨૫૯ મેઈનહોલ અને ગટર ચેમ્બર સફાઈ થઈ ચૂક્યા છે.
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરમાં આવા જ ધોરણે સફાઈ કામગીરી ચાલુ રહેશે જેથી શહેર સ્વચ્છ રહે, જળ પ્રદૂષણ ન થાય અને કોઇ પ્રકારની આરોગ્ય સંબંધી ફરિયાદ ઊભી ન થાય.
આ કામગીરી માટે ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક, કમિશનર અને સહાયક કમિશનરોની ટીમ સતત દેખરેખ રાખી રહી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ