જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના માધ્યમથી રાજ્ય સરકારના રમતગમત વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬ અંતર્ગત યોજાયેલી જિલ્લાકક્ષા કરાટે અને સાઈકલીંગ સ્પર્ધા આજે ઉત્સાહભેર પૂર્ણ થઈ હતી. આ સ્પર્ધાનું આયોજન જૂનાગઢ શહેરના સીટી સ્પોર્ટ્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન જૂનાગઢ જિલ્લાના અલગ-अलग તાલુકાઓમાંથી આવેલા ગ્રામ્ય વિસ્તારોના યુવા ખેલાડીઓએ કરાટે અને સાઈકલીંગમાં પોતાની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને નાના બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ખાસ આમંત્રણ હેઠળ જૂનાગઢ શહેરના ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા આપી તેમજ કરાટે રમતમાં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ક્રીડા ભારતી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
આ સાથે, જિલ્લા રમતગમત અધિકારી શ્રી મનીષકુમાર જીલડિયાએ મુખ્ય મહેમાનોનો મોમેન્ટો આપી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન શ્રી વિજયભાઈ ભટ્ટ, મયુરકુમાર ચૌહાણ, હિરેનભાઈ ખુંટી, વિશાલભાઈ સિદ્ધપુરા, પ્રશાંતભાઈ ચૌહાણ, હદીશાબેન મહેતર અને ભાવિનભાઈ રોકડની પણ ઉપસ્થિતિ નોંધાઈ હતી.
ક્રારેટે માટે કન્વીનર શ્રી ભરતભાઈ ભેટારીયા તથા સાઈકલીંગ માટે કન્વીનર કલ્પેશભાઈ શાંખલાને પણ જિલ્લા રમતગમત અધિકારી દ્વારા સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂરું પાડવા બદલ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સમગ્ર માહિતી જિલ્લા રમતગમત અધિકારીની યાદી દ્વારા જાહેર કરવામાં આવી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ