જૂનાગઢમાં શાળાકીય બેડમિન્ટન સ્પર્ધાનું ભવ્ય આયોજન : ગ્રામ્ય વિસ્તારના ૫૦૦થી વધુ ખેલાડીઓએ દમખમ દર્શાવ્યો.

જૂનાગઢ જિલ્લામાં રમતગમતના વધુ પ્રસાર અને વિકાસ માટે ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬નું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમના ભાગરૂપે સીટી સ્પોર્ટ્સ ક્લબ જૂનાગઢ ખાતે જિલ્લાકક્ષા બેડમિન્ટન સ્પર્ધાનું યોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લામાંથી આવતા ગ્રામ્ય વિસ્તારના અંદાજે ૫૦૦થી પણ વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમના કૌશલ્યનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

આ પ્રસંગે જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે છાત્રો માટે જોગવાઈ કરાયેલી રમતગમતની આધુનિક સુવિધાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “જૂનાગઢ જિલ્લામાં રમતગમત માટે આવશ્યક પ્લેટફોર્મ ઊભું કરી એક રમતમય વાતાવરણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી આગળ વધી શકે.”

ડૉ. એમ.પી. તાળાએ બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતનું મહત્વ સમજાવતાં કહ્યું કે, “રમત ફક્ત શારીરિક શક્તિ જ નહીં, પણ માનસિક વિકાસનું પણ મહત્વપૂર્ણ સાધન છે.”

આ ઉપરાંત, બેડમિન્ટન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ નવરાશાપૂર્વક અને ઉત્તમ દેખાવ બદલ મહિલા ખેલાડી આરતીબેન મોઢવાડિયાને ખાસ પ્રમાણપત્ર એનાયત કરી ક્રીડા ભારતી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા રમતગમત અધિકારીના જણાવ્યા મુજબ, આવી સ્પર્ધાઓના આયોજનો દ્વારા નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને રાજ્યના ખેલ કક્ષાને નવી ઊંચાઈઓ મળે તેવી આશા છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ