જૂનાગઢમાં શ્રાવણના સૌપ્રથમ સોમવારે બર્ફાની બાબા અમરનાથની ભવ્ય પ્રતિકૃતિનું દર્શન.

ભગવાન શિવને સમર્પિત શ્રાવણ માસના પ્રથમ સોમવારના પાવન અવસરે જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા ઝાંઝરડા ચોકડી નજીક સ્થિત જલારામ ભક્તિ ધામ ખાતે બર્ફાની બાબા અમરનાથના દર્શન માટે ભવ્ય પ્રતિકૃતિનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.

આ ભવ્ય શિવપ્રતિકૃતિનું આયોજન ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી અને સંજય બુહેચાની સંયુક્ત યાજમાનશી હેઠળ થયું છે. તેઓએ જણાવ્યું કે શ્રાવણ મહિનો ભગવાન શિવની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણાય છે અને ભક્તો આ અવસરે ઉપવાસ, ભક્તિ અને પૂજન દ્વારા આધ્યાત્મિક શાંતિ તથા આશીર્વાદ મેળવતા હોય છે.

આ મહાપર્વને અનુકૂળ બનાવીને, તા. 28ના રોજ સાંજના 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ભક્તો માટે બર્ફાની બાબા અમરનાથના અલૌકિક દર્શન ખુલ્લા રહેશે. “શિવમાં જીવ અને જીવમાં શિવ” એ સૂત્રને સાર્થક કરતી આ યાત્રા ભક્તજનો માટે અનન્ય અનુભવરૂપ બનશે.

જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી પ્રો. પી. બી. ઉનડકટે જણાવેલ કે આ પ્રથમ વખત આવા પ્રકારની બર્ફની શિવપ્રતિકૃતિ દર્શન માટે તૈયાર કરવામાં આવી છે અને લોકો માટે આ નઝારો આનંદોત્સવરૂપ બનશે. સમગ્ર આયોજનમાં શુભેશ્વર ગ્રુપના પ્રભાત બાપુ, પ્રશાંતભાઈ પોશિયા તેમજ ગિરનારી ગ્રુપના દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ, હરિભાઈ કારીયા અને અરવિંદભાઈ ચુડાસમા સહિતના અનેક ભક્તોએ સહભાગી થઇ નમ્ર સેવાભાવ વ્યક્ત કર્યો છે.

શિવભક્તો અને ધર્મપ્રેમી સમાજ માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ અવશ્ય પધારી શ્રી અમરનાથના શિવ સ્વરૂપના દર્શનનો લાભ લે અને વિશ્વ કલ્યાણ માટે ભોળાનાથને પ્રાર્થના કરે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ