જૂનાગઢ
જૂનાગઢના ભવનાથમાં આવેલ રૂપાયતન સંસ્થાના પરિસરમાં તા.૨૮ જુલાઈ ૨૦૨૪ને રવિવારના રોજ ડો. સુભાષ મહિલા કોલેજના વરિષ્ઠ અધ્યાપક શ્રી કૌશિકરાય પંડ્યાના કાવ્યસંગ્રહ શબરીબાઈ નાં પદનું વરિષ્ઠ વિદ્વાન લેખકશ્રી બળવંત જાની અને સુજ્ઞ કવિશ્રી સંજુ વાળાની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયું હતું ,આરંભે ભારતીય સંસ્કાર મુજબ દીપ પ્રાગટ્યની વિધિથી કાર્યક્રમનો આરંભ થયો હતો . ત્યારબાદ રૂપાયતનની પરંપરા મુજબ બંને ઉપસ્થિત વિદ્વાનો અને કૌશિકરાય પંડ્યાને સંસ્થા તરફથી સૂત્રમાળા, મોમેન્ટો અને સાલ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ઉપસ્થિત જનોનું સ્વાગત કરતા સહ્રદય રમેશ મહેતા એ સંસ્થાનો આછેરો પરિચય અને ભવિષ્યના આયોજન વિશે ટૂંકી નોંધ આપીને સૌને આવકાર્યા હતા. એમણે પોતાની મીતાક્ષરીમાં રૂપાયતનની અને હેમંતભાઈ નાણાવટીનો પરિચય કરાવ્યો હતો.
કાર્યક્રમની ભૂમિકા બાંધતા આચાર્યશ્રી બલરામ ચાવડાએ કૌશિકરાયના અભ્યાસકાળથી લઈ અધ્યાપન કાર્ય સુધીની યાત્રાની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. એમાં એમણે કૌશિકરાયના માનવીય પાસાઓને ઉજાગર કરી કવિની સંવેદનશીલતા અને શબ્દ સાથેની પ્રતિબધ્ધતા વિશે વિગતે વાત કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ અને કૌશિકરાયના ગુરુજી વિદ્વાન શ્રી બળવંત જાનીએ પ્રસંગોચિત મનનીય ઉદ્બોધન કરતા પ્રસંગના ઓવારણા લીધા હતા અને સાથે સાથે પોતાના પ્રિય વિદ્યાર્થી કૌશિકરાયનો આગવો પરિચય આપતા તેમની કારકિર્દીના નીચોડ રૂપ કેટલીક વાતો પ્રસ્તુત કરતા એમને બિરદાવતા અને આશીર્વાદ વચન પાઠવતા જણાવ્યું હતું કે શબરીબાઈના પદ એક વિશિષ્ટ અને પ્રયોગશીલ કૃતિ છે એમણે એમના કાવ્યાત્મક પાસાઓ અને એમાં થયેલી લોકતત્વોની માવજત વિશે વિગતે વાત કરતા એમણે શબરીબાઈના પદને એક કાલજયી કૃતિ ઠરશે એવી શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ આપણા સમકાલીન સમયના ગુજરાતી ભાષાના વરિષ્ઠ કવિશ્રી સંજુવાળાએ પોતાના વક્તવ્યમાં શબરીબાઈના પદ કૃતિને સીમાચીન રૂપ કૃતિ ગણાવી હતી એમણે કૃતિના કાવ્યાત્મક પાસાઓનો સંસ્પર્શ કરાવીને એમાં ચમત્કૃત મર્મજ્ઞતા નો ઉદાહરણ સાથે પરિચય કરાવ્યો હતો. એમણે કહ્યું હતું કે આ કૃતિનું વિવેચન ન થાય તો પણ આકૃતિ ભાવક ચિતમાં સદૈવ પોતાનું સ્થાન અંકિત કરશે એ વાત નિશ્ચિત છે.એમણે કેટલાક પદોનો વિશેષ ઉલ્લેખ કરી એમની ભાષાકીય વિલક્ષણતા વિશે વાત કરી હતી અને આવા કવિ કર્મ માટે કૌશિકરાયને ધન્યવાદ પાઠવ્યા હતા.
પોતાનો વિશેષ પ્રતિભાવ આપતા કૌશિકરાયે પોતાની સર્જન યાત્રા વિશે વાત કરતા અંતહીન પીડા,અકથ્ય વેદના અને અવિરામ સંઘર્ષની યાદ અપાવી પોતે કયા શબ્દ ગોત્રના સર્જક છે એનો પરિચય કરાવ્યો હતો એમણે આ કાવ્યો દ્વારા પ્રસ્થાપિત એવી કેટલીક અનુકંપાઓ અને માનવીય મુદ્રાઓ જેવી લોકતત્વોની આગવી આસ્થા અને શ્રદ્ધાને પોતાના કાવ્ય પઠન દ્વારા મૂર્તિમંત કરી હતી અને સાથે સાથે એમણે રૂપાયતન અને સૌ પ્રત્યે પોતાનો ઓશીગણ ભાવ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના સમાપનમાં કલામર્મજ્ઞ શ્રી રમેશભાઇ મહેતા એ પોતાની આગવી શૈલીમાં કૌશિકરાય સાથેના પોતાના ત્રણ દાયકાના સંબંધોને વાગોળતા શબરી રૂપે કૌશિકરાય શબ્દબધ્ધ થયાની લાગણી વ્યક્ત કરી હતી એમણે શબરીબાઈના પદમાં રહેલી જીવન અને પાવન ક્ષણોને ઓળખી બતાવીને શુભેચ્છા પાઠવી હતી અને સૌ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી આ પ્રસંગે રુપાયતનના મોભી હેમંત નાણાવટીએ સાહિત્યિક પ્રવૃત્તિ પ્રત્યેનો પોતાનો લગાવ અને નવતર આયોજન થકી કઈ રીતે રૂપાયતન કલા સંસ્કૃતિનો સમન્વય ઝંખે છે એની પ્રતીતિ કરાવી હતી અને એ માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમનું સુચારું સંચાલન શ્રી ભૂષણ ઝાલાએ કર્યું હતુ. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત શ્રી આર.પી. જોશી,દલપત ચાવડા, શ્રી અમુદાન ગઢવી, પ્રદ્યુમ્ન ખાચર, સ્મિતાબેન ઝાલા, ભીમજી ખાચરિયા,ભરતભાઈ મેશિયા,નવનીતભાઈ પંડ્યા, અમુભાઈ વડારિયા ,ભલાભાઇ દેલવાડીયા અને શહેરમાંથી પધારેલા સહ્રદયભાવકોએ કાર્યક્રમ નવાજ્યો હતો અને સૌ આનંદવિભોર થઈ સાહિત્યિક આયોજનને બિરદાવ્યુ હતું. તેમજ આવા આયોજન માટે સૌએ રૂપાયતન અને હેમંતભાઈને અનેકાનેક ધન્યવાદ પાઠવ્યા. સમગ્ર ઉપક્રમની સફળતા માટે જૂનાગઢના જાહેર જીવનના અગ્રણી શ્રી જવાહરભાઈ ચાવડા એ સૌને શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ : – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)