જૂનાગઢ, ૩૧ ઓગસ્ટ – સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના આગેવાનો ભાવેશ ખોલીયા, સંજય બુહેચા અને ભાવેશ ટાંક દ્વારા સંયુક્ત રીતે જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે જૂનાગઢ શહેરમાં શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ દ્વારા “શ્રીબાઇ નવરાત્રી મહોત્સવ–2025” નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ નવરાત્રી મહોત્સવ તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર સુધી ઝાંઝરડા ચોકડી, ડી-માર્ટ સામે, બાયપાસ રોડ સ્થિત “શ્રીજી ફાર્મ” ખાતે યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના સભ્યોમાં સંગઠન મજબૂત બને, પરંપરા અને શ્રદ્ધાનું પાલન થાય તેમજ સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ દસ દિવસીય મહોત્સવ દરમિયાન માતાજીના આ પાવન પર્વ સાથે સંગઠન, સ્નેહમિલન, તેમજ ગરબા અને ડાંડીયા રાસના ખાસ આયોજનો યોજાશે. મહિલાઓ અને યુવાનો માટે જુદા જુદા કાર્યક્રમો તથા સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાવાની છે. ધાર્મિક પ્રવચનો દ્વારા આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રસંગે આયોજન સમિતિએ જણાવ્યું કે ગ્રાઉન્ડ, મંડપની સજાવટ, લાઇટ-સાઉન્ડ સિસ્ટમ, સેલ્ફી પોઇન્ટ, વાહન પાર્કિંગ, પાણી તેમજ સુરક્ષા વ્યવસ્થાનો સુચારુ રીતે ખાસ ખ્યાલ રાખવામાં આવશે.
નવરાત્રી સમિતિએ જણાવ્યું હતું કે “નવરાત્રી માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત કરવા તેમજ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા વધારવા માટે પ્રેરણા આપે છે.”
જૂનાગઢ શહેરમાં વસતા સોરઠીયા પ્રજાપતિ સમાજના તમામ પરિવારજનોને ઉમંગ-ઉલ્લાસ સાથે હાજરી આપી આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ