જૂનાગઢ જિલ્લામાં મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા સંચાલિત “સંકલ્પ – ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” યોજના અંતર્ગત મહિલાઓના હક, સુરક્ષા અને આત્મનિર્ભરતા માટે છેલ્લા એક વર્ષથી અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અભિયાન હેઠળ અત્યાર સુધી જિલ્લામાં કુલ ૧૮૫ જેટલા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા છે. તદઉપરાંત જૂનાગઢ જિલ્લામાં આવેલી ૧૧૩ જેટલી ગ્રામ પંચાયતોની મુલાકાત લેવાઈ હતી. જેમાં છેવાડાના લાભાર્થીઓને વિવિધ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી અને તેમને ફોર્મ ભરવામાં સહાયરૂપ બનવામાં આવી. અત્યાર સુધીમાં કુલ ૯૯૬ ફોર્મ ભરાવાયા છે.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી.જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ કામગીરી દ્વારા મહિલાઓ સુધી કાયદાકીય માહિતી, સરકારની સહાય યોજનાઓ તથા આવકના સ્ત્રોત વિશે જાગૃતિ લાવવામાં આવી રહી છે.
મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત ૧૮થી ૬૫ વર્ષ સુધીની બહેનો માટે ધંધો શરૂ કરવા માટે લોનની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨૧૧ અરજીઓ બેંકોને મોકલવામાં આવી છે. જેમાંથી ૩૩ મહિલાઓને બે લાખ સુધીની લોન મંજૂર થઈ છે.Nigam મારફતે કુલ દસ લાખથી વધુની સબસીડી સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થઈ છે. આ મદદથી અનેક મહિલાઓ પોતાનો નાનો ધંધો શરૂ કરીને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહી છે.
આ ઉપરાંત ભૃણ પસંદગી, જાતિ આધારિત ભેદભાવ અને ઘરેલું હિંસાથી પીડિત મહિલાઓ માટે આશ્રય, માર્ગદર્શન અને કાયદાકીય સહાય પૂરી પાડવાનું કાર્ય પણ “સંકલ્પ” મારફતે ચાલુ છે.
આ યોજના સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મહિલાઓના કલ્યાણ માટે એક મજબૂત અને અસરકારક મંચ બની રહી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ