જૂનાગઢમાં સંતશ્રી મુક્તાનંદ બાપુની ૬૬માં જન્મજયંતી ઉપલક્ષ્યમાં યોજાયો અતુલ્ય પુસ્તક તુલા કાર્યક્રમ.

જૂનાગઢઃ

જુનાગઢ ધર્મ અને અધ્યાત્મનગરી જૂનાગઢમાં સંતશ્રી મુકતનંદબાપુની જન્મ જયંતી ઉજવણી ઉપલક્ષ્યે પ્રેમાનંદ શૈક્ષણિક સંકુલનાં પટાંગણમાં અતુલ્ય પુસ્તક તુલાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાંચન વલોણુ ટીમનાં મિત્રોએ જૂનાગઢનાં નગરજનો પાસે વંચાયા બાદ ઘરમાં જમાં સારા પુસ્તકો વાંચનવલોણુ ટીમને સુપ્રત કરવા અપીલ કરી હતી.જેનાં પ્રતિસાદ સ્વરૂપ ૧૫૦ જેટલા પુસ્તક વાંચન પ્રેમીઓએ તેમનાં શ્રેષ્ઠ કલેકશનને જૂનાગઢ નાં નગરજનોને વાંચી શકે તે હેતુ આપ્યા હતા.

 

જ્યારે વાંચન પ્રેમી અગ્રણી ઓએ વાંચન વલોણુ ટીમને રોકડ નીધિ અર્પણ કરી સારા પુસ્તકો ખરીદવા સહયોગ રાશીનું યોગદાન જોડ્યુ હતુ.

કાર્યક્રમમા ઉપસ્થિત સંતગણ મુક્તાનંદજી મહારાજ, નિજસ્વરૂપનંદ, ગણેશાનંદજી, સાધનાનંદગીરીજી સહિત મહાનુભવોએ દિપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, કાર્યક્રમનાં અધ્યક્ષ મુક્તનંદજી બાપુએ ઉપસ્થિત જૂનાગઢનાં પ્રબુધ્ધ નગરજનોને સંબોધતા પોતાની જીવનઝરમરને યાદ કરી પુસ્તકોની મહત્તા સમજાવતા જણાવ્યુ હતુ. પુસ્તકોમાંનો પ્રત્યેક અક્ષર તેજ કિરણ અને પ્રત્યેક શબ્દ સાક્ષાત કિરણપૂંજ હોય છે.અને એટલે જ પુસ્તકોમાં સચવાયેલી દિવ્યતા આપણા હૃદયને પણ દિવ્યતા બક્ષે છે આથી પવિત્રતા એ તો પુસ્તકનો સાહજિક સ્વભાવ છે. પુસ્તક એ તો એક પેઢીથી અન્ય પેઢી, એક દેશથી અન્ય દેશ તથા એક સમાજથી અન્ય સમાજ અને એક સંસ્કૃત્તિથી અન્ય સંસ્કૃત્તિ વચ્ચેનું સબળ અને વફાદાર સંચાર માધ્યમ છે. આ પ્રસંગે પુસ્તક તુલાનાં સાક્ષીભાવે ઉપસ્થિત ભક્તકવિ નરસિંહમહેતા યુનિ.નાં કુલપતિ એ જણાવ્યુ હતુ.

સારા પુસ્તક જ્ઞાનપિપાસા, વાચન, જ્ઞાનતૃપ્તિનું પરબ બને છે.

પુસ્તક બધાને એક સરખી રીતે આવકારે છે. પુસ્તકો જિંદગીનું ઘડતર કરે, જીવનને શ્રેષ્ઠ દિશા આપી શકે, જિંદગીને જોવાની, સમજવાની અને અનુભવવાની શક્તિ આપે છે પુસ્તક ખૂબ ઉંચી વિશ્વસનિયતા અને પ્રમાણભૂતતા ધરાવે છે.પુસ્તકો હંમેશા સારી અને સાચી વાતો ,હકારાત્મક બાબતો, પ્રણાલિકાઓ, વિશિષ્ટ ગુણો અને વલણો તથા સદગુણોનું આહ્વાન કરતા હોય છે. આ પ્રસંગે ઉપસ્થિત જૂનાગઢનાં પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાએ પોતાનાં જીવનમાં એક પુસ્તક કેવો બદલાવ લાવી શકે તેનાં સ્મરણોને ટાંકીને જણાવ્યુ હતુ કે પુસ્તક તો એક સારા મિત્રની ગરજ સારે છે. પુસ્તકનું મહત્વ દુનિયા ની દરેક ભાષામાં અને સંસ્કૃતિમાં વર્ણવવામાં આવ્યું છે. જ્યારે તમે કંટાળી જાવ ત્યારે જો તમે પુસ્તક હાથમાં લેશો તો તમને જીવનમાં રસ, કુતૂહલ અને નવજીવન પ્રાપ્ત થશે. જીવનની વિવિધ સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય છે.

એ વિશેનું અનુભવામૃત આપણે વાચન દ્વારા પામીએ છીએ… સરસ પુસ્તકો વસાવતાં રહેવું અને વાંચતા રહેવું.

જાણિતા શિક્ષણવિદ ગિજુભાઇ ભરાડે પુસ્તકની ઉપયોગીતા સમજાવતા જણાવ્યુ હતુ કે પુસ્તક સરળ ભાષામાં લખાયેલ હોય તે ગ્રામિણ અને અલ્પશિક્ષીત વ્યક્તી સમજી શકે છે. પોતાનાં ઘરે આવતા અતિથીને આતિથ્ય સત્કાર બાદ તેમનાં રસ રૂચિ જાણી ગિજુભાઇ પુસ્તક ભેટ સ્વરૂપે આપે છે.ગીજુભાઇએ જણાવ્યુ હતુ કે નિરક્ષરતા અને અજ્ઞાનતા અભિશાપ છે, અંધકાર છે, તો આ શાપ અને અંધકારમાંથી નિકળવા માટેની ટોર્ચ છે પુસ્તકો. લેખન અને વાચનની સાથે જ માનવજીવન અને સંસ્કૃતિની સુધારણાનાં દ્વાર ખુલી ગયા. જેમ જેમ માણસ લેખન અને વાચન કરતો ગયો તેમ તેમ નવા નવા વિચારો એના મગજમાં ઉધલાવવા લાગ્યા. માનવજીવનના વિકાસમાં આ રીતે પુસ્તકોનો ફાળો અમૂલ્ય ગણી શકાય. આ તકે નિજ સ્વરૂપનંદજી સ્વામીએ પુસ્તકથી જીવનમાં કેવા બદલાવ આવી શકે તેનાં સ્વાનુભવો રજુ કરી જણાવ્યુ હતુ કે અમુક પુસ્તકો ચાખવા માટે હોય છે

અમુક પુસ્તકો ગળી જવા માટે છે, પરંતુ અમુક જ પુસ્તકો ચાવવા અને પચાવવા માટે હોય છે.

વાંચન વલોણુ ટીમનાં માતંગભાઇ એ શાબ્દીક સ્વાગત કરી અતુલ્ય પુસ્તક તુલામાં ઉપસ્થિત મહાનુભાવો અને વાંચનપ્રેમની નગરજનોને આવકાર્યા હતા. આ તકે લાભશંકરભાઇ જોષી, વિરેન્દ્રભાઇ ભટ્ટે વાંચન વલોણુ વિષય સંલગ્ન કાર્યની રૂપરેખા રજુ કરી પુસ્તકોનું વાંચનપ્રેમી વ્યક્તિઓ સુધી કેવી રીતે વહન કરી શકાય તેની વ્યવસ્થા ની વાત કરી કલાપીની સુભાષિત રજુ કરી જણાવ્યુ કે મનની શાંતિ માટે હું ચારે ય દિશામાં ફરી વળ્યો પરંતુ કોઈ એક ખૂણામાં બેસીને સારું પુસ્તક વાંચવામાં જે વિશ્રાંતિ મળી તે ક્યાંય ના મળી. આંખ સામે રહેલી વસ્તુનું જ્ઞાન મેળવવા માટે પણ પુસ્તકો વાંચવાં પડે છે. મા – બાપ સ્નેહ અને ઉલ્લાસ આપે છે પણ પુસ્તકો ખોલીએ ત્યારે માલૂમ પડે છે કે આપણને પાંખો ફૂટી છે. ઔષધિ શરીરના રોગને મટાડે છે તો પુસ્તકો મનના રોગોને ભગાડવામાં મદદ કરે છે જે માનવસમાજોની મુલાકાત આપણે કદી લેવાના નથી તેમને સમજવાની શ્રેષ્ઠ ચાવી પણ પુસ્તકો છે.

આ તકે જૂનાગઢનાં મેયર ગિતાબેન પરમાર, જીતુભાઇ ભીંડી, ભીખાભાઇ જોષી, મનસુખભાઇ વાજા, ચુનિભાઇ હીરપરા, અમુભાઇ પાનસુરીયા સમન્વય ગ્રુપનાં હારૂનભાઇ, પુર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, કૃષ્ણકાંતભાઇ, પલ્લવીબેન જોષી, આરતિબેન જોષી, કે.ડી.પંડ્યા, જી.પી.કાઠી, જૂનાગઢનાં વિવિધ મહિલા મંડળનાં અગ્રણી બહેનો, સ્વયંસેવી સંસ્થાનાં સેવારથીઓ, શૈક્ષણિક સંસ્થાનાં તથા, સમાજસેવી સંસ્થાનાં અગ્રણી સહિત વાંચનપ્રેમી પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ મેસીયાએ સંભાળ્યુ હતુ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)