જૂનાગઢમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા, 980થી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકોની હાજરી.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની નવીન યોજનાઓના પ્રથમ ચરણ ‘યોજનાપંચકમ’ અંતર્ગત, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જૂનાગઢ દ્વારા સંસ્કૃત સપ્તાહની શરૂઆત ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાથી થઈ.

ગૌરવ યાત્રાના પ્રારંભ પ્રસંગે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા ડેપ્યુટી કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.એમ. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતા મેડમ, જિલ્લા નોડલ અધિકારી કે.આર. ઉંધાડ, તેમજ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ, BRC સભ્યો, સંસ્કૃત વિષય નિષ્ણાતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

ગવર્નમેન્ટ ગર્લ્સ હાઇસ્કૂલ, જૂનાગઢથી પ્રારંભ થયેલી ગૌરવ યાત્રાને વૈદિક મંત્રોચ્ચાર સાથે લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી. યાત્રાનું સમાપન બાઉદીન કોલેજ ખાતે થયું, જ્યાં કુલ 980થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા.

યાત્રામાં ઋષિ-મુનિઓ, પુરાણ પાત્રો અને ભારતીય સંસ્કૃતિ દર્શાવતા ટેબ્લો રજૂ થયા. ચાર વેદો તથા શ્રીમદ ભાગવત ગીતાની પ્રતિૃતિ પણ પ્રદર્શિત થઈ. પ્રસ્થાન અને સમાપન પ્રસંગે સંસ્કૃત ગરબા રજૂ થયા.

અધિકારીઓ અને પદાધિકારીઓએ સેલ્ફી પોઈન્ટ પર સ્મૃતિરૂપે તસવીરો લીધી. જિલ્લા શિક્ષણ અધિકારી લતા મેડમના માર્ગદર્શન અને જિલ્લા નોડલ અધિકારી તથા તેમની ટીમના પ્રયાસોથી આ ગૌરવ યાત્રા સફળ બની અને લોકોમાં “સંસ્કૃત થકી સંસ્કૃતિ”નો સંદેશ પ્રસર્યો.

અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ.