જૂનાગઢમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા, 2900થી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકોની હાજરી.

જૂનાગઢ, તા. 6 — સંસ્કૃત સપ્તાહ મહોત્સવના અવસરે આજે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલથી બહાઉદીન કોલેજ સુધી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

યાત્રાને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા ઈન્ચાર્જ કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, ડાયટ પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ અને જિલ્લા નોડલ અધિકારી કે.આર. ઉઘાડ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

ચાર વેદોના મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચનાથી શુભારંભ પામેલી આ યાત્રામાં જિલ્લાના વિવિધ શાળાઓના કુલ 2900 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધિકારીઓ જોડાયા. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગીતો, સુભાષિતો સાથે વેદ, ઉપનિષદ, પુરાણ અને ઋષિઓના પાત્રોની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું.

યાત્રા ગર્લ્સ હાઇસ્કૂલથી શરૂ થઈ સ્વામિનારાયણ ગુરુકુલ, કોલેજ રોડ માર્ગે પસાર થઈ બહાઉદીન કોલેજ ખાતે પૂર્ણ થઈ. માર્ગમાં ઋષિ-મુનિઓ, પુરાણ પાત્રો, ચાર વેદો અને શ્રીમદ ભગવદ ગીતાની પ્રતિકૃતિ દર્શાવતા ટેબલો પ્રદર્શન પામ્યા.

પ્રસ્થાન અને સમાપન પ્રસંગે સંસ્કૃત ગરબાનું આયોજન થયું. કાર્યક્રમ દરમિયાન સેલ્ફી પોઈન્ટ પર અધિકારીઓ અને પદાધિકારીઓએ સ્મૃતિરૂપે તસવીરો લીધી. જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી અને તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોથી આ ગૌરવ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.