કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લામાં વહીવટી પ્રક્રિયાના વધુ સરળીકરણ અને સુધારા માટે મંથન પ્રજાકીય પ્રશ્નોને મોટા પરિપ્રેક્ષ્યમાં અવલોકન કરવા કલેકટરશ્રીનું પ્રેરક માર્ગદર્શન વહીવટી પ્રક્રિયાને વધુ બહેતર અને નાગરિક કેન્દ્રિત બનાવવા અધિકારીશ્રીઓએ રચનાત્મક પ્રતિભાવો રજૂ કર્યારાજ્યકક્ષાના સુશાસન દિવસની ઉજવણીમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી સહભાગી બન્યાજૂનાગઢ તા.૨૫ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતીએ ઉજવાતા સુશાસન દિવસની જૂનાગઢ ખાતે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.
સુશાસન દિવસના અવસરની સાર્થક ઉજવણી કરતા જિલ્લા કલેકટરશ્રીએ વહીવટી પ્રક્રિયાના વધુ સરળીકરણ અને સુધારા માટે જિલ્લાના અધિકારીઓના પ્રતિભાવો-સૂચનો મેળવી, તેમની સાથે સંવાદ સાધ્યો હતો. ઉપરાંત વહીવટી પ્રક્રિયાઓને વધુ શુદ્રઢ અને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે પરામર્શ કર્યો હતો. કલેકટરશ્રીએ વહીવટી પ્રક્રિયામાં રોજબરોજ આવતા પ્રશ્નોમાંથી હંમેશા શીખવાનો અભિગમ રાખવા તેમજ પ્રજાકીય પ્રશ્નો અને મુશ્કેલીઓને મોટા પરિપ્રેક્ષ્યમાં અવલોકન કરવા અધિકારીશ્રીઓને ઉદાહરણ સહિત પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નાગરિકોના પ્રશ્નોનું સંતોષકારક સમાધાનને આવશ્યક ગણાવતા સતત લોકોના ફીડબેક મેળવવા ઉપર ભાર આપ્યો હતો.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ વહીવટને વધુ બહેતર બનાવવા માટે ડિજિટલ લિટરેસી વધારવા, કર્મયોગીઓને જરૂરી તાલીમ, જન સેવા કેન્દ્રની સ્ટ્રેન્થમાં વધારો કરવા સહિતના રચનાત્મક સૂચનો રજૂ કરવાની સાથે પોતાના અનુભવોની આપ- લે કરી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાના સુશાસન દિવસની ઉજવણીમાં જૂનાગઢ કલેકટર કચેરીના મુખ્ય સભાખંડ ખાતેથી જિલ્લા કલેકટર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી સહભાગી બન્યા હતા. સુશાસન દિવસની ઉજવણીમાં આસિસ્ટન્ટ કલેકટર શ્રી ઐશ્વર્યા દુબે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.એ. જાડેજા, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી અજય ઝાંપડા સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)