જૂનાગઢમાં ૬ ઓગસ્ટે સંસ્કૃત ગૌરવ યાત્રા — સરકારી ગર્લ્સ હાઇસ્કૂલથી પ્રારંભ, બહાઉદીન કોલેજ ખાતે પૂર્ણ.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન અને મહત્ત્વ આપવા, તેમજ સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન અને પ્રસાર-પ્રચાર થાય તે હેતુસર ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૬ થી ૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમોની શરૂઆત ૬ ઓગસ્ટે સંસ્કૃત ગૌરવ યાત્રાથી થશે. આ યાત્રા સવારના ૯:૦૦ વાગ્યે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ, જૂનાગઢથી પ્રસ્થાન કરશે, જે સ્વામિનારાયણ ગુરુકુળ, કોલેજ રોડ માર્ગે આગળ વધીને બહાઉદીન કોલેજ, જૂનાગઢ ખાતે પૂર્ણ થશે.

યાત્રાનો હેતુ:

  • સંસ્કૃત ભાષાની પ્રાચીન પરંપરા અને વૈભવ અંગે જાગૃતિ લાવવી

  • યુવા પેઢીને સંસ્કૃત અભ્યાસ માટે પ્રેરણા આપવી

  • સંસ્કૃત શિક્ષણના સંવર્ધન માટે જનસહભાગીતાનો સંદેશ આપવો

અન્ય કાર્યક્રમો:

  • પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ (ધો. ૬ થી ૧૨) માટે સંસ્કૃત શ્લોક ગાન, સ્તોત્ર ગાન, અને વક્તૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓ

  • ૭ ઓગસ્ટ ૨૦૨૫: સંસ્કૃત સંભાષણ દિન ઉજવણી

  • ૮ ઓગસ્ટ ૨૦૨૫: સંસ્કૃત સાહિત્ય દિન ઉજવણી

જિલ્લા વહીવટી તંત્રએ જૂનાગઢના નાગરિકોને આ ગૌરવમય ઉત્સવમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ આપ્યું છે.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ