જૂનાગઢમા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી.

જૂનાગઢ

ભક્તકવિ નરસીંહ મહેતા યુનિનાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૃથ્વીનાં કવચ સમાન ઓઝોન વાયુનાં રક્ષણાત્મક કવચની જાગૃતિ આપતું પ્રદર્શન અને જાગૃતિ શિબીરનું કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીનાં અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમને દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓ, પ્રકૃતિવિદો, બૈાધિક નગરજનોને સંબોધતા જણાવ્યુ હતુ કે પૃથ્વીપટલ પર ધબકતા જૈવસૃષ્ટીનાં સંરક્ષક વાયુ આવરણ એટલે કે ઓઝોન સ્તરની ખેવના કરવા આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં માધ્યથી આપણે સૈા એકત્રીત થયા છીએ ત્યારે વૈશ્વિક પડકાર કહી શકાય એવી વિશ્વ ઓઝોન દિવસ ૨૦૨૪ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ તથ્યોને આપણે ગંભીરતાથી લેવા જોઇએ. ઓઝોન સ્તર સૂર્યના લગભગ ૯૮% અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લેવામાં સક્ષમ છે. ક્લોરોફ્લોરોકાર્બન એક રાસાયણિક તત્વ છે જે ઓઝોન સ્તરને ભારે નુકસાન પહોંચાડે છે.૧૯૮૫ દરમિયાન, એન્ટાર્કટિકામાં ઓઝોન સ્તરની આસપાસ એક છિદ્ર મળી આવ્યાનું આપણે અખબારો દ્વારા વાંચ્યુ હશે. ત્યારે આવો આપણે સૈા સૂર્યમાંથી આવતા હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી અનેક પ્રકારની બિમારીઓ લઈને ચિંતિત બની પર્યાવરણ અને પ્રકૃતિનું સંવર્ધન કરીએ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન દરમ્યાન અલગ અલગ પ્રકારની ઐાષધિય વનસ્પતિનાં બીજ આપવામાં આવ્યા હતા. સાથે યુનિ.માં જૈવીક ધન-પ્રવાહી કચરાને સૈન્દ્રીય ખાતરમાં પરિવર્તિત કરી યુનિ. કેમ્પસનાં છોડને સિંચવાનો નવતર પ્રયાસ સરાહનિય છે.

કાર્યક્રમનાં મુખ્ય વક્તા અને સૈારાષ્ટ્ર યુનિ.નાં બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) રમેશ કોઠારીએ પોતાનાં ઓઝોન જાગૃતિ વ્યાખ્યાનમાં જણાવ્યુ હતુ કે દર વર્ષે ૧૬ સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી ઓઝોન સ્તરના રક્ષણ માટે જાગૃતિ કેળવવા ઉજવીએ છીએ. ઓઝોન સ્તર આપણી પૃથ્વીના રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. આ દિવસ આપણને બધાને ઓઝોનના વિકાસને સમૃદ્ધ અને મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. ઓઝોન સ્તર આપણને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો (યુવી-રે) થી રક્ષણ આપે છે, ઓઝોન સ્તરને વધુ પડતા રાસાયણિક નુકસાનથી બચાવવાની જવાબદારી તો છે સાથે સાથે એક મહત્વપૂર્ણ પર્યાવરણીય ચિંતા માનવામાં આવે છે.

આ પ્રસંગે બ્રહ્માનંદ ડીસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી પધારેલ પ્રતાપ ઓરાએ પ્રાસંગિક વક્તવ્યમાં ઓઝોન સ્તરની ઉપયોગીતા અને પર્યાવરણિય ખલેલ વિષયે વાત કરી જણાવ્યુ હતુ કે ઓઝોન સ્તર પૃથ્વી પર પડતા યુવી કિરણોથી જૈવસૃષ્ટીને રક્ષણ આપતુ હોવાથી આપણી પૃથ્વી માટે રક્ષણાત્મક કવચનું કામ કરે છે અને તેના વિના આપણે સ્વસ્થ જીવન જીવી શકીશું નહીં. તેથી, આપણે આપણા ઓઝોન સ્તરને વિનાશથી બચાવવા માટે યોગ્ય પહેલ કરવી પડશે.

ઓજોન દિવસની ઉવજણી સંદર્ભે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ગેલેરીમાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં અનુસ્નાતક ભવનમાં અભ્યાસ કરતા અને શોધ સ્કોલર્સ વિદ્યાર્થીઓ, શહેરની વિવિધ સાયન્સ કોલેજોનાં વિદ્યાર્થીઓ, દ્વારા ઓઝોન વાયુનાં પૃથવી આસપાસનાં આવરણ(પડ) થી થતા લાભો અને ઓઝોન સ્તરમાં પર્યાવરણીય પ્રદુષણથી પડેલ ગાબડાથી માનવ જીવન પર થતી અસરો વિષયે વિસ્તૃત છણાવટ ભર્યુ સચિત્ર પ્રદર્શન રજુ કર્યુ હતુ.

પ્રતિવર્ષ ૧૬ સપ્ટેમ્બરે યોજાતા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી જાહેર રજાઓને કારણે વહેલી યોજવા પાછળની વાત કરી લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો.(ડો.) સુહાસ વ્યાસે આમંત્રીત અતિથીઓને આવકારી દિવસની ઉજવણી પાછળનો હેતુ ઓઝોન સ્તરને સુરક્ષિત કરવાનો છે તેમ જણાવ્યુ હતુ. લોકોને/વિદ્યાર્થીઓને ઓઝોન સ્તર વિશે પણ જાગૃત કરવામાં ઉજવણી અંગે હાર્દ રજુ કરી ડો. વ્યાસે જણાવ્યુ કે ઓઝોન સ્તરને બચાવવા માટે જાગૃતિ અભિયાન સાથે, વૈજ્ઞાનિકો નવા રસ્તાઓ પણ શોધી રહ્યા છે. વૈજ્ઞાનિકો છેલ્લા ઘણા સમયથી ઓઝોન સ્તરની પરતમાં થઈ રહેલ નુકસાનને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

કાર્યક્રમ દરમ્યાન ઓઝોન અંગે પોસ્ટર ચિત્ર પ્રદર્શનમાં અવ્વલ કૃતિઓ રજુ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોનાં હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે ડો. સંદિપ ગામીતે અતિથીઓનો પરિચય અને કાર્યક્રમનાં અંતે ડો. જતિન રાવલે આભારદર્શન કર્યુ હતુ. કાર્યક્રમનું સફળ સંચાલન શોધ સ્કોલર ધ્રુવિશા મહેતા અને નિરાલી નંદાણિયાએ સંભાળ્યુ હતુ. કાર્યક્રમમાં યુનિ.નાં સોશ્યલ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. જયસિંહ ઝાલા, કોમર્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. ભાવસિંહ ડોડીયા, ડો. રાજેશ રવિયા, ડો.દુશ્યંત દુધાગ્રા સહિત શહેરની સાત જેટલી સાયન્સ કોલેજોનાં પ્રાધ્યાપક શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ‌)