જૂનાગઢ કલેકટરશ્રીએ ભેસાણની શાળા અને સામુહિક આરોગ્ય કેન્દ્રની ઓચીંતી લીધી મુલાકાત

જૂનાગઢ

જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ ભેસાણ તાલુકા પ્રાથમિક શાળા અને સામુહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. કલેકટરશ્રીએ શાળાનાં પ્રત્યેક વર્ગ ખંડ, શાળા પરિસર, શાળાની માળખાગત સવલતોની ઝીણવટભરી તપાસ કરી હતી. કલેકટરશ્રીએ પ્રાથમિક શાળામાં ઈ-કે.વાય.સી. કામગીરીનું નિરીક્ષણ સાથે શાળાનાં શિક્ષકો પાસેથી શાળાની વ્યવસ્થા, શિક્ષણની પધ્ધતિ, શાળામાં આધુનિક શિક્ષણ માટે કોમ્પ્યુટર સહિતનાં ઉપકરણોની ઉપયોગિતા સહિતની વિગતો મેળવી હતી. ઉપરાંત ભેસાણ તાલુકા આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવતી સારવાર, આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ તબીબો અને સ્ટાફ, દવાઓની ઉપલબ્ધિ, વાહક રોગનાં કિસ્સાઓ બને ત્યારે હોસ્પિટલ દ્વારા કરવામાં આવનારી કામગીરીની પૂર્વ તૈયારી, પાણીજન્ય રોગો અને બેકટેરિયા, વાયરસ અને મચ્છરજન્ય રોગોની સારવાર સહિતની તલસ્પર્શી વિગતો હોસ્પિટલનાં તબીબશ્રીએ જણાવી હતી. આરોગ્ય સેવા પૂરી પાડતા હોસ્પિટલનાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ હોસ્પિટલ ખાતે ઘટતું શું થઈ શકે તે માટે તેમણે આરોગ્ય તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)