મેળાની ભક્તિમય અને ગરિમામય ઉજવણી અર્થે ભાવિકોની પાયાની સવલતો માટે જિલ્લા તંત્ર કટિબધ્ધ: કલેકટર અનિલકુમાર રાણાવસિયા,
મહાશિવરાત્રી મેળામાં યાત્રિકો-ઉતારા-અન્ન ક્ષેત્રોની સગવડતા અંગે સાધુ સંતો અને સામાજિક અગ્રણીઓ અને વહીવટી તંત્ર વચ્ચે હકારાત્મક સંવાદ થયો,
તા.૨૨ થી ૨૬ ફેબ્રુઆરી સુધી મહા શિવરાત્રીનો મેળો યોજાશે,
ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકે તે માટે મોબાઈલ ટીમ દ્વારા ચેકીંગ,
શહેર અને ભવનાથમાં લોકોનું આરોગ્ય જળવાય તે માટે ખાદ્ય પદાર્થોનું વેચાણ અંગે ચેકીંગ કરાશે,
જૂનાગઢ, તા.૧૯: આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો તા.૨૨ ફેબ્રુઆરીથી વિધિવત રીતે પ્રારંભ થશે. અને તા.૨૬ ફેબ્રુઆરી મહાશિવરાત્રી ની મધ્ય રાત્રે મેળો સંપન્ન થશે.ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે , વિવિધ સુવિધા અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવાસીયાના અધ્યક્ષ સ્થાને મુખ્ય મીટીંગ યોજાઇ હતી.
મેળાના આયોજન અને કામગીરી સાથે જોડાયેલા શીર્ષ અધિકારીઓની ઉપસ્થિતિમાં સાધુ સંતો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે કલેકટર કચેરી જૂનાગઢ ખાતે શિવરાત્રીના મેળાના કામગીરીના આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ મિટિંગમાં કલેકટરે જણાવ્યું કે શિવરાત્રીના મેળામાં સાધુ સંતો,ભક્તો, સ્વયંસેવકો કોઈને અગવડ ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
બહારથી આવતા યાત્રિકોને શુદ્ધ પીવાનું પાણી,પાર્કિંગ, મોબાઈલ ટોયલેટ , આરોગ્ય,ટ્રાફિક સમસ્યા તેમજ ઉતારા મંડળોના મળેલા સૂચનોને ધ્યાનમાં રાખીને શિવરાત્રીનો મેળામાં લોકોને કોઈ અગવડતા ન પડે તેનું વિશેષ ધ્યાન રાખીને તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે શિવરાત્રીનો મેળો પ્લાસ્ટિક મુક્ત યોજાય તે માટે મોબાઈલ વાન દ્વારા ચેકીંગ કરવામાં આવશે. તેમજ લોકોના આરોગ્ય જોખમાય નહીં તે માટે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતાઓને ત્યાં ચેકીંગ કરવામાં આવશે અને લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
કલેકટરશ્રીએ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓના સૂચનો પણ સાંભળ્યા હતા. હકારાત્મક સંવાદ થકી મેળામાં ભાવિકોની સુવિધા ને પ્રાધાન્ય મળે તે માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂર જણાયે મિટિંગ બોલાવીને તેમનું યોગ્ય નિરાકરણ કરવા પણ સૂચના આપી હતી. મેળામાં નિયમો અનુસાર ઉપલબ્ધ જગ્યાઓ, ઉપલબ્ધ સંસાધનો પ્રમાણે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને સૌના સહયોગથી સહિયારા પ્રયાસોથી સૌએ સાથે મળીને આ મેળાની ઉજવણી કરવાની છે તેમ પણ કલેક્ટર એ જણાવ્યું હતું.
ભવનાથ ખાતે રાઉન્ડ ધ કલોક સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને મેળા વિસ્તારનો સમગ્ર વિસ્તાર સફાઈમાં આવરી લેવામાં આવેલ છે, જેમાં ૧૫ સુપરવાઈઝર ૧ લાઈઝન અને ૨ જનરલ સુપરવાઈઝર દવારા સુપરવિઝન, તથા ૨૦૦ સફાઈ કર્મચારીઓ મારફત વિસ્તાર અને મુખ્ય માર્ગો/ રૂટની સફાઈ અને ૧૦૦ બેગ જંતુ નાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. અને પ્રતિબંધીત પ્લાસ્ટીક નિયંત્રણ માટે ૧ ટીમ મારફત સતત સુપર વિઝન કરવામાં આવશે.
જાહેર પે એન્ડ યુઝ તથા મોબાઈલ ટોઈલેટ વ્યવસ્થા ૭- જાહેર શૌચાલય – યુરીનલ બ્લોક (ટોઈલેટ બ્લોક), ૨-પે એન્ડ યુઝ શૌચાલય અને યુરીનલ બ્લોક (ટોઈલેટ બ્લોક),ભવનાથમાં વાડી, ધાર્મિક જગ્યા, ઉતારાઓ, હોટલો વગેરેમાં ૨૩૦૦ જટેલા શૌચાલય યુરીનલ કાર્યરત,૦૬ – મોબાઇલ ટોઇલેટ જરૂરીયાત મુજબના સ્થાનો પર મુકવામાં આવ્યા છે. મેડીકલ સવિધા તથા એમ્બ્યુલન્સ વ્યવસ્થા ૧૦૮ એમ્બ્યુલન્સ ભવનાથ સુદર્શન તળાવ ઉદાસીન અખાડા સામે -૧,જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે મેદાન ખાતે – ૩,અશોક શિલાલેખ પાસે – ૧,પાજનાકા પાસે – ૧, દામોદર કુંડ પાસે – ૧,વડલી ચોક – ૧, પુનીત આશ્રમ દવાખાના ખાતે– ૧ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રખાવવામાં આવશે.આ ઉપરાંત સુદર્શન તળાવ મ.ન.પા. ઝોનલ ઓફિસ ખાતે, ગોરક્ષનાથ આશ્રમ રીંગ રોડ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ અને વડલી ચોક, ભવનાથ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યાત્રી સુવિઘા હેતુસર રાખવામાં આવનાર છે.
ફાયર ફાઈટર તથા તરવૈયા બચાવ ટુકડી મહાશિવરાત્રી મેળા દરમ્યાન આવક્યતા ઉપસ્થીત થયે ત્વરીત ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે સદુર્શન તળાવ પાસે – ૧, જિલ્લા પચાયત ગસ્ટ હાઉસ સામે મેદાન ખાતે-૧,ભવનાથ રીંગ રોડ ખાતે – ૧ નીચે મુજબના પોઈન્ટ ઉપર મહાનગરપાલિકા,જૂનાગઢના ફાયર ફાઈટર ઉપલબ્ધ રખાવવામાં આવશે, અને આવશ્યકતા જણાય તે માટે સુદર્શન તળાવ, ભવનાથ તળેટી અને દામોદર કંડ બે પોઈન્ટ ઉપર મહાનગરપાલિકા, જૂનાગઢની ફાયર બ્રીગેડ બચાવ તરવૈયા ટુકડી પુરતા સાધનો સાથે ઉપલબ્ધ રખાવવા આવશે, વૈકલ્પિક માર્ગ આકસ્મિક રીતે કોઈ ઉભી થનાર સમસ્યાને પહોંચી વળવા માટે રૂપાયતનથી પરિક્રમાના રૂટ, ઈંટવા ઘોડીથી ચાર ચોક થઈ હરનાપુર ડેમ થઈ જોબુડી ફોરેસ્ટ નાકા થઈ ડેરવાણ ગામથી જૂનાગઢ-ભેંસાણ રોડ ખાતે નીકળી શકાય તે માટે આ રૂટનો ઉપયોગ કરી શકાય તે માટે વ્યવસ્થાઓ કરાશે. આ સહિત વહીવટી તંત્ર દ્વારા સુચારૂ રીતે શિવરાત્રીનો મેળો યોજાય તે માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં શ્રી હરીગીરીબાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદ બાપુ, શ્રી હરિ હરાનંદ બાપુ,ગિરનાર ક્ષેત્રના વિવિધ સંતો,મહંતો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર,જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર શ્રી ઓમ પ્રકાશ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિતીન સાંગવાન, નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર, અધિક કલેકટર એનએફ ચૌધરી, મેળા અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સહિતના શીર્ષ અધિકારીશ્રીઓ તેમજ સાધુ સંતો,અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)