જૂનાગઢ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ સિવિલ હોસ્પિટલની લીધી ઓચિંતી મુલાકાત.

જૂનાગઢ

રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. કેશોદ અને આસપાસનાં ગામનાં લોકોની આરોગ્યની ખેવના કેશોદ સિવિલ હોસ્પિટલ મારફતે થઈ રહી છે. જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલકાત લીધી હતી.

હોસ્પિટલમાં કરવામાં આવતી સારવાર, આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ તબીબો અને પેરામેડીકલ સ્ટાફ, દવાઓની ઉપલબ્ધિ, વાહક રોગન કિસ્સાઓ બને ત્યારે હોસ્પિટલ દ્વારા કરવામાં આવનારી કામગીરીની પૂર્વ તૈયારી, ચોમાસામાં પાણીજન્ય રોગો અને બેકટેરિયા, વાયરસ અને મચ્છરજન્ય રોગોની સારવાર સહિતની તલસ્પર્શી વિગતો હોસ્પિટલનાં અધિક્ષકશ્રીએ જણાવી હતી. જિલ્લા કલેકટરશ્રીની કેશોદ હોસ્પિટલ ખાતેની આ મુલાકાત દરમિયાન કેશોદ પ્રાંત અધિકારી તથા સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ સહિતના જોડાયા હતા.

જૂનાગઢ કલેકટરશ્રીએ હોસ્પિટલની માળખાકીય વ્યવસ્થાઓ અને દાખલ દર્દીઓની સારવાર અંગેની વિગતો મેળવી

કલેક્ટરશ્રીએ સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી વિભાગ, આરોગ્ય સેવા પૂરી પાડતા હોસ્પિટલનાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેનું નિરીક્ષણ કર્યુ હતું. જિલ્લા કલેકટરશ્રીએ દર્દીઓ સાથે સંવાદ કર્યો અને તેમને આપવામાં આવતી સારવાર વિશે વિગતો મેળવી હતી. વધુમાં હોસ્પિટલ ખાતે ઘટતું શું થઈ શકે તે માટે તેમણે આરોગ્ય તંત્રને જરુરી માર્ગદર્શન આપ્યું હતું. હાલના સમયમાં ચાંદીપુરા અને વાહકજન્ય રોગ અન્વયે હોસ્પિટલ તથા આજુબાજુના વિસ્તારમાં સફાઈમાં અગ્રતા આપવા અને સ્વચ્છતા પર વધુ ભાર મૂકવા તાકીદ કરી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)